Tech & Auto: સરકારી કચેરીઓમાં લાંચ (Bribes.fyi) માંગવામાં આવે અથવા લાંચ આપવાનો ઇનકાર કરવામાં આવે તેવી ઘટનાઓની માહિતી નોંધાવવા માટે ભારતીય વિદ્યાર્થી આર્યન નિષાદે નવી વેબસાઇટ બનાવી છે. આ પ્લેટફોર્મ પર લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
લાંચની ફરિયાદ માટે Bribes.fyi વેબસાઇટની શરૂઆત
B.Techના વિદ્યાર્થી આર્યન નિષાદે Bribes.fyi નામનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. અહીં લોકો સરકારી કચેરીઓ (Government Offices)માં લાંચ માંગવામાં આવી હોય અથવા લાંચ આપવાનો ઇનકાર કર્યો હોય તેવી ઘટનાઓની માહિતી નોંધાવી શકે છે. વેબસાઇટ પોતાને નાગરિકો માટે મફત અને લોકો દ્વારા સંચાલિત પ્લેટફોર્મ તરીકે રજૂ કરે છે. ફરિયાદ નોંધાવતી વખતે સંબંધિત સરકારી વિભાગ, રીતે માંગવામાં આવેલી રકમ અને ઘટનાનું શહેર જેવી સામાન્ય માહિતી આપવાની હોય છે.
માહિતી પોસ્ટ થયા બાદ તે વેબસાઇટ પર અનામી રિપોર્ટ તરીકે દેખાય છે. આ રીતે લોકો વિવિધ વિસ્તારો અને સરકારી વિભાગોમાં સામે આવેલા કથિત લાંચના કેસોની માહિતી જોઈ શકે છે.
251 શહેરોમાં 616 લાંચના રિપોર્ટ
વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અત્યાર સુધી 251 શહેરોમાંથી 616 લાંચના રિપોર્ટ (Bribery Reports) નોંધાયા છે. જોકે, વેબસાઇટ પોતે સ્પષ્ટ કરે છે કે આ આંકડા લોકો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદો પર આધારિત છે.
આથી આ આંકડાઓને સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર (Corruption)ની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા સત્તાવાર આંકડા તરીકે જોવામાં ન જોઈએ. વેબસાઇટનો મુખ્ય હેતુ નાગરિકોને કથિત લાંચની ઘટનાઓ જાહેર રીતે નોંધાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વેબસાઇટ પર એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લેટ ખરીદતી વખતે સેલ ડીડ રજિસ્ટ્રેશન માટે દરેક નવા ફ્લેટ ખરીદનાર પાસેથી 35,000 લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બિલ્ડરે તમામ ખરીદદારો પાસેથી રોકડ રકમ એકત્ર કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં આપી હતી.
પોલીસ વિભાગ સાથે જોડાયેલી સૌથી વધુ ફરિયાદો
વેબસાઇટ પર વિવિધ સરકારી વિભાગો (Government Offices)અને શહેરોના કથિત લાંચના કેસોની તુલના પણ કરી શકાય છે. ઉપલબ્ધ આંકડા મુજબ પોલીસ વિભાગ સાથે જોડાયેલી 337 ફરિયાદો નોંધાઈ છે. તે પછી RTO સાથે જોડાયેલી 88 ફરિયાદો અને મહેસૂલ તથા જમીન રેકોર્ડ વિભાગ સાથે જોડાયેલી 69 ફરિયાદો નોંધાઈ છે. પાસપોર્ટ કચેરીઓ અંગે 43 રિપોર્ટ, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા 29 રિપોર્ટ નોંધાયા હોવાનું વેબસાઇટના આંકડા દર્શાવે છે.
વેબસાઇટ પર દેશના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા કેસો દર્શાવતો નકશો પણ ઉપલબ્ધ છે. તેના માધ્યમથી અલગ-અલગ શહેરો અને વિભાગોમાં નોંધાયેલા કથિત કેસોની સંખ્યા જોઈ શકાય છે.
38 ટકા રિપોર્ટમાં લાંચ આપવાનો ઇનકાર
Bribes.fyi પર ઉપલબ્ધ માહિતી અનુસાર આશરે 38 ટકા રિપોર્ટમાં લોકોએ લાંચ (Bribery Reports)આપવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં લોકોએ એવો દાવો પણ કર્યો છે કે લાંચ આપવાનો ઇનકાર કર્યા બાદ પણ તેમને જરૂરી સરકારી સેવા મળી હતી. વેબસાઇટની માહિતી મુજબ ડોમેન NameCheap Inc. મારફતે રજિસ્ટર કરવામાં આવ્યું છે અને પ્લેટફોર્મ 2 જુલાઈએ લાઇવ થયું હતું. વેબસાઇટની રચના જોતા તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદ લેવામાં આવી હોવાનો અંદાજ લગાવી શકાય છે.
આ પ્લેટફોર્મને લઈને સોશિયલ મીડિયા પર પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક લોકોએ તેને નાગરિકો માટે મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે, જ્યારે કેટલાક લોકોએ ફરિયાદોની ચકાસણી અંગે સવાલો ઉઠાવ્યા છે.
Hacker News પર એક યુઝરે સવાલ કર્યો હતો કે માત્ર એક બોક્સ પર ટિક કરીને કોઈ અનુભવને વાસ્તવિક ગણવો પૂરતું વેરિફિકેશન નથી. જોકે, Bribes.fyiમાં વેરિફિકેશનની વ્યવસ્થા પણ આપવામાં આવી છે. જો કોઈ સરકારી વિભાગ અથવા કચેરી સામે એકસરખા અનેક રિપોર્ટ આવે તો અન્ય લોકો તેના પેટર્નની પુષ્ટિ કરી શકે છે.
વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે નોંધાયેલા આક્ષેપોને સત્તાવાર રીતે સાબિત થયેલા કેસ તરીકે નહીં, પરંતુ નાગરિકો દ્વારા કરવામાં આવેલા દાવા તરીકે જોવું મહત્વપૂર્ણ છે. કોઈપણ ફરિયાદની સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા સંબંધિત સરકારી એજન્સીઓ દ્વારા જ નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો: સરકારનો ફિલ્મ પાઇરસી પર પ્રહાર, 5 હજાર ટેલિગ્રામ ચેનલો અને 1,263 વેબસાઇટ્સ બંધ
આ પણ વાંચો: ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય
આ પણ વાંચો: Cockroach Janata Partyની વેબસાઇટ બંધ, સુપ્રીમ કોર્ટમાં PIL અને સ્થાપકને ધમકી
