Cockroach Janata Party Website Blocked: તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાતોરાત પ્રચંડ લોકપ્રિયતા મેળવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party – CJP) હાલમાં મોટા કાનૂની વિવાદો અને મુશ્કેલીઓના કેન્દ્રમાં આવી ગઈ છે. સંગઠનની સત્તાવાર વેબસાઇટ સામે કડક કાર્યવાહી કરીને તેને બંધ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ થઈ ચૂકી છે. આ કટોકટી વચ્ચે પેજના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે તેમનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
“વાર્તા હજી પૂરી નથી થઈ…” :Cockroach Janata Party
આ તમામ કાનૂની આફતો અને પ્રતિબંધો હોવા છતાં, આ સંગઠન સરકાર કે તંત્ર સામે ઝૂકવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. સંગઠને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ૨ કરોડથી વધુ યુવા સભ્યો (ફોલોવર્સ) માટે એક લાંબી અને પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે.
તેમણે લખ્યું છે કે, “વંદો (કોકરોચ) એક એવો જીવ છે જે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી રહે છે; તેઓ અંધારા ખૂણામાં પણ ખીલે છે અને તમામ મુશ્કેલીઓ છતાં જીવંત રહે છે. દેશના બેરોજગાર યુવાનોની સ્થિતિ પણ આજે કંઈક આવી જ છે. પરંતુ વાર્તા હજી પૂરી નથી થઈ, અમારો અસલી સંઘર્ષ તો હમણાં જ શરૂ થયો છે.”
CJPએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ માત્ર એક સામાન્ય મીમ પેજ (Meme Page) બનીને નહીં રહે, પરંતુ આ અભિયાનને બેરોજગારી, પેપર લીક અને પર્યાવરણ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવીને એક મોટા દેશવ્યાપી જનઆંદોલનમાં બદલવામાં આવશે. તેમની વિચારધારા ભારતીય બંધારણ, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહના સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત રહેશે તેમ જણાવ્યું છે.
સ્થાપક અભિજીતના પરિવારને ધમકી
આ સોશિયલ મીડિયા વોર હવે વ્યક્તિગત સુરક્ષા માટે મોટો ખતરો બની ગઈ છે. આ પેજના સ્થાપક અભિજીત દીપકે હાલમાં અમેરિકાના બોસ્ટન (USA) ખાતે છે, પરંતુ ભારતમાં રહેતા તેમના પરિવાર પર સંકટના વાદળો ઘેરાયા છે. અભિજીતે ખુલાસો કર્યો છે કે તેને અને તેના પરિવારને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આ ગંભીર સ્થિતિને જોતા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલા અભિજીતના માતા-પિતાના ઘરની બહાર ચુસ્ત પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે. અભિજીતના પિતા ભગવાન દીપકે અને માતા અનિતાએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેઓ પોતાના પુત્રની સુરક્ષાને લઈને અત્યંત ડરેલા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર વહેલી તકે સલામત રીતે ભારત ઘરે પરત ફરે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ગત અઠવાડિયે થઈ હતી. એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે બેરોજગાર યુવાનોની સરખામણી “કોકરોચ” સાથે કરી હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી, જે બાદ આ પેજ રાતોરાત યુવાનોમાં ટ્રેન્ડ થઈ ગયું.
હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી PIL માં એવો આક્ષેપ કરાયો છે કે અદાલતી કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશ દ્વારા વ્યક્ત કરાયેલી ટિપ્પણીઓનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટો અને નકારાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેથી આ પ્રવૃત્તિઓની ન્યાયિક તપાસ થવી જોઈએ. બીજી તરફ, દેશના પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ આ ટ્રેન્ડ પર ટિપ્પણી કરતા હળવા અંદાજમાં કહ્યું હતું કે, “તેઓ હિટ થઈ ગયા છે, સમય જતાં બધું સાજું થઈ જશે.” હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ PIL પર શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન
આ પણ વાંચો:X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો
