National News/ X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’

ઘણા યુઝર્સ કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ને “ભારતમાં Gen Z રાજનીતિનો નવો ચહેરો” પણ ગણાવી રહ્યા છે

Top Stories India
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચાસ્પદ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)ફરી એકવાર નવા અંદાજમાં પરત ફરી છે

National News : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચાસ્પદ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)ફરી એકવાર નવા અંદાજમાં પરત ફરી છે. અગાઉ એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ હવે આ એકાઉન્ટ ‘Cockroach Is Back’ નામથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. જોકે, એકાઉન્ટની DPમાં હજુ પણ ‘કોકરોચ જનતા પાર્ટી’ જ લખાયેલું જોવા મળે છે.

પોતાને કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના સ્થાપક ગણાવતા અભિજીત દીપકેએ X પર પોસ્ટ કરીને નવા એકાઉન્ટની માહિતી આપી હતી. તેમણે ટૂંકી પોસ્ટમાં લખ્યું હતું – “હવે ફોલો કરો.” એકાઉન્ટ શરૂ થયા બાદ જ તેમાં વ્યંગ્ય અને કટાક્ષ ભરેલી પોસ્ટ્સ જોવા મળી રહી છે.

પહેલી પોસ્ટમાં ‘Cockroach Is Back’ લખેલો ફોટો શેર કરીને લખવામાં આવ્યું હતું કે, “તમે શું વિચાર્યું હતું, અમારાથી છુટકારો મેળવી લેશો?” બીજી પોસ્ટમાં ભાજપ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સ્ક્રીનશોટ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કોકરોચ જનતા પાર્ટીની વધતી લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગને કારણે તેનું જૂનું એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યું.

કોણ છે કોકરોચ જનતા પાર્ટી પાછળનો ચહેરો?

આ ઓનલાઇન પાર્ટીની શરૂઆત પુણેના રહેવાસી અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી હોવાનું જણાવાય છે. પાર્ટી પોતાની વેબસાઇટ પર પોતાને “યુવાનોની, યુવાનો દ્વારા અને યુવાનો માટેની પાર્ટી” તરીકે રજૂ કરે છે. પાર્ટીનો નારો ‘બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી અને આળસુ’ એવો રાખવામાં આવ્યો છે.

પાર્ટીની પોસ્ટ્સમાં રમૂજી અંદાજમાં એવું પણ કહેવામાં આવે છે કે, સભ્ય બનવા માટે વ્યક્તિ “બેરોજગાર, 24 કલાક ઓનલાઇન રહેતી, પ્રોફેશનલ રીતે ભડાશ કાઢતી અને આળસુ” હોવી જોઈએ.

અભિજીત દીપકેએ પુણેથી જર્નાલિઝમમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોવાનું પણ જણાવાયું છે.

મીમ પોલિટિક્સ વચ્ચે ગંભીર મુદ્દાઓ

હાસ્ય અને મીમ્સની વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)યુવાનોની બેરોજગારી, પરીક્ષા પેપર લીક, સિસ્ટમમાં પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ પણ ઉઠાવી રહી છે.

પાર્ટીએ ટૂંક સમયમાં Gen Z વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજવાની પણ જાહેરાત કરી છે, જેમાં યુવાનો નીતિ અને શાસન અંગે ચર્ચા કરશે.

પાર્ટીના ઓનલાઇન મેનિફેસ્ટોમાં મુખ્ય ન્યાયાધીશ માટે નિવૃત્તિ બાદ રાજકીય પદો પર પ્રતિબંધ, મહિલાઓને 50 ટકા અનામત, મીડિયાની સ્વતંત્રતા અને પક્ષપલટો કરનારા નેતાઓ પર 20 વર્ષના પ્રતિબંધ જેવી માંગણીઓ પણ સામેલ છે.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

કોકરોચ જનતા પાર્ટીને લઈને સોશિયલ મીડિયા પર લોકો વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને માત્ર ‘મીમ પોલિટિક્સ’ કહી રહ્યા છે, તો કેટલાક લોકોનું માનવું છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ પ્લેટફોર્મ યુવાનોની ભાષામાં તેમની સમસ્યાઓ પર વાત કરી રહ્યું છે.

એક યુઝરે લખ્યું કે, “આ દેશની પહેલી એવી પાર્ટી છે જે યુવાનોની પીડા સમજે છે.” જ્યારે અન્ય યુઝરે ટિપ્પણી કરી કે, “હવે રાજનીતિ રેડિટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવી બની ગઈ છે.”

ઘણા યુઝર્સ કોકરોચ જનતા પાર્ટીને “ભારતમાં Gen Z રાજનીતિનો નવો ચહેરો” પણ ગણાવી રહ્યા છે.


આ પણ વાંચો : ‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, માત્ર 24 કલાકમાં જ જોડાયા હજારો યુવાનો

આ પણ વાંચો:જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીના હત્યાના કાવતરાખોરો ગુજરાતમાંથી ઝડપાયા, પોલીસ લેશે રીમાન્ડ પર