Gujarat News : ગુજરાતમાં ચોમાસા પૂર્વે ખરીફ પાકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ડીઝલ (Diesel)ની અછત ગંભીર મુદ્દો બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને ડીઝલ માટે કલાકો સુધી પેટ્રોલ પંપ પર રાહ જોવી પડી રહી છે. ડીઝલ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અનેક સ્થળોએ ચક્કાજામ તથા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર અને કેરબા લઈને ખેડૂતોની લાંબી કતારો લાગી છે. 40 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થયા છે.
જસદણથી મોરબી સુધી ડીઝલ માટે લાંબી લાઈનો
રાજકોટ જિલ્લાના જસદણ અને લાલાવદર વિસ્તારમાં ખેડૂતો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. બીજી તરફ મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ (Diesel)ની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સિરામિક ઉદ્યોગ સાથે ખેતીકામ પર પણ તેની સીધી અસર પડી રહી છે.
જૂનાગઢ જિલ્લાના ગળુ ગામ નજીક જેતપુર-સોમનાથ હાઈવે પર ડીઝલ ખૂટી જતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ ચક્કાજામ કરતાં બે કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. ટ્રક, બસ અને ખાનગી વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા-સાવરકુંડલા રોડ પર પણ ખેડૂતો ટ્રેક્ટર આડા મૂકી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ દિવસથી પૂરતું ડીઝલ મળતું નથી અને ખેતીકામ પર ગંભીર અસર પડી રહી છે.
ગીર સોમનાથ અને છોટાઉદેપુરમાં પણ વિરોધ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ દિવસથી ડીઝલ (Diesel)ની અછત છે. ઊભા પાકની કાપણી અને ચોમાસા પહેલાં ખેતરો તૈયાર કરવા ટ્રેક્ટર જરૂરી હોવા છતાં ડીઝલ (Diesel) ન મળતાં ખેતીકામ અટકી ગયું છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ખેડૂતો ટ્રેક્ટરને ધક્કા મારી તાલુકા સેવાસદન પહોંચ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે સીઝનના સમયે ડીઝલ (Diesel)ની અછતથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
જિલ્લા તંત્ર અને સરકાર હરકતમાં
રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર જિલ્લામાં 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન કરી પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા પ્રયાસ ચાલી રહ્યા છે.
રાજ્ય સરકાર સુધી પણ આ મુદ્દો પહોંચ્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કેટલીક ફરિયાદો મળી છે અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સચિવને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ અફવાઓથી દૂર રહી જરૂરીયાત મુજબ જ ડીઝલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
ખરીફ સીઝનની શરૂઆત પહેલા ઉભી થયેલી આ સ્થિતિ ખેડૂતો માટે સૌથી મોટો પડકાર બની છે. હવે સરકાર કેટલા ઝડપથી સ્થિતિ સામાન્ય બનાવે છે તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
