ગુજરાત સરકારે ભુજ શહેરમાં રાત્રી કરફ્યુ અને દિવસે નિયંત્રણના નામે મીની લોકડાઉન એક સપ્તાહ સુધી લંબાવી દીધું છે. જેના કારણે વેપારીઓની તમામ આશા ઠગારી નીવડી છે. ત્યારે શહેરના શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ કર્યો હતો.
ભુજમાં લોકડાઉનના કારણે શેરી ફેરિયા – ખાણીપીણી ધંધાર્થીઓનો ધંધો મરણપથારીએ પહોંચી ગયો છે.સરકારના અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે.અગાઉ શેરી ફેરિયાઓએ વિરોધ આંદોલનો કર્યા હતા છતાં કોઈ ઉકેલ ન આવતા ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો.સરકારમાં રજૂઆતો છતાં દાદ ન મળી અને સપ્તાહનું લોકડાઉન લંબાવી દેવાયું છે.
ત્યારે સરકારની નીતિ સામે ફેરિયાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સરકારને કોરોનાની ચેઇન તોડવામાં મધ્યમ વર્ગ જ કેમ દેખાય છે ઝેરોક્ષ કોપી વાળું લોકડાઉન ફરી થોપી દેવાયું છે. કોરોનાથી માણસો નહિ મરે પણ આવી નીતિથી વેપારીઓ આર્થિક બોજ અને માનસિક તણાવમાં આવી ગયા છે. જેના કારણે તેઓ આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે, ભુજના શેરી ફેરિયાઓએ માંગ કરી કે જેમ હોટલમાં ટેક અવેની સુવિધા અપાય છે તેવી રીતે ધંધાર્થીઓને પણ ટેક અવેની સુવિધા અપાય તો ગુજરાન ચાલી શકે. ભૂજના શેરી ફેરિયાઓ મુંડન કરાવી આ લડતમાં જોડાઇ રહ્યા છે
