Raju Karapada Malia Hatina Sabha: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ એક વિશાળ જાહેર સભા સંબોધીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ‘ખેડૂત સંકલ્પ યાત્રા’ અંતર્ગત યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામીણ આગેવાનો ઉમટી પડ્યા હતા, જે આગામી ચૂંટણી પહેલાં સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
૩૨થી વધુ ગામના સરપંચોનું સમર્થન
આ જાહેર સભામાં રાજુ કરપડાએ પોતાનું ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ સભામાં માળિયા હાટીના તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને અમરાપુર ગીરના સરપંચ સહિત આસપાસના ૩૨થી વધુ ગામોના સરપંચો ખાસ હાજર રહ્યા હતા. ખેડૂત એકતાના પ્રતિકરૂપે, આ સભામાં હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતોએ રાજુ કરપડાના સુરક્ષિત ભવિષ્ય અને ખેતીલક્ષી પ્રશ્નોની લડતને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
“આ રાજકીય નહીં, ખેડૂતોની વેદનાની સભા છે”
સભાને સંબોધતા રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોની અપેક્ષા અને વાજબી માંગણીઓ માટે હંમેશા લડતા રહેશે અને ખેડૂતોના હિત માટે જે પણ બલિદાન આપવું પડે તે આપવા તૈયાર છે. આ ઉપરાંત, ખેડૂતોને પાક વીમાનું પૂરેપૂરું વળતર મળે અને અન્યાય દૂર થાય તે માટે સતત લડત ચલાવવાની પણ તેમણે ખાતરી આપી હતી. સાથે જ તેમણે ગર્જના કરી હતી કે, હવે ખેડૂતોનો ઉપયોગ માત્ર ‘વોટ બેન્ક‘ તરીકે નહીં થવા દઈએ, કારણ કે ખેડૂત હવે જાગૃત થઈ ગયો છે.
Raju Karapadaની સત્તા પક્ષને કડક શબ્દોમાં ચેતવણી
રાજુ કરપડાએ સત્તામાં બેઠેલા નેતાઓને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, “ખેડૂતોના પ્રશ્ને અમે બિન-રાજકીય રીતે તમારા દરવાજા ખખડાવીશું. જો યોગ્ય ઉકેલ નહીં આવે, તો અમે તમારી સામે લડતા પણ અચકાઈશું નહીં.” આ સભા બાદ જૂનાગઢના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની એકતાના નવા સમીકરણો રચાય તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ પ્રકારનું શક્તિ પ્રદર્શન રાજકીય પક્ષો માટે મોટો સંકેત ગણાઈ રહ્યો છે.
આ પણ વાંચો:જુનાગઢમાં ફરી એક પત્નીએ પતીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો:જૂનાગઢમાં યુવાનને ખંડણી માટે દબાણ, આત્મહત્યા કેસમાં ત્રીજી મહિલા આરોપી ઝડપાઈ
આ પણ વાંચો:ઉનામાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ મામલે વધુ એક આરોપીની ધરકપડ
