કચ્છમાં સ્વામિનારાયણ સાધુના નિવેદનથી વિવાદ ગરમાયો
Kutch News : કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી (Swami) દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. જાહેર મંચ પરથી બ્રાહ્મણ સમાજ (Brahmin Community)અંગે કરાયેલી ટિપ્પણી બાદ સામાજિક અને રાજકીય વર્તુળોમાં આક્રોશ ફેલાયો છે.
મંચ પરથી આપેલા ભાષણમાં બ્રાહ્મણો વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને બ્રાહ્મણ સમાજ (Brahmin Community) ના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા આ નિવેદનની નિંદા કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો કડક પ્રતિસાદ

માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ અથવા ધર્મ અંગે અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી અને સંતોએ સમાજમાં સૌહાર્દ જાળવવાનો સંદેશ આપવો જોઈએ.
ધારાસભ્યના નિવેદન બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને રાજકીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે.
અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે કેટલાક સંતો
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો અગાઉ પણ વિવિધ નિવેદનોને કારણે વિવાદોમાં આવી ચૂક્યા છે. ધાર્મિક મંચ પરથી કરાતી ટિપ્પણીઓ ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે.
હાલ સમગ્ર મામલે વિવિધ સમાજ સંગઠનો દ્વારા માફીની માંગ ઉઠી રહી છે, જ્યારે વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
