What is Cockroach Janta Party: દેશમાં રાજકીય ઉથલપાથલ અને પક્ષપલટાના સમાચારો તો અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક સાવ અનોખું અને વિચિત્ર નામ જોરદાર ચર્ચામાં છે—’કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party – CJP). સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ નામ સાંભળતા જ લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે આખરે આ કેવી પાર્ટી છે, તેની શરૂઆત કોણે કરી અને તેનું અસલી રહસ્ય શું છે? આ આખી સોશિયલ મીડિયા મૂવમેન્ટ પાછળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના એક નિવેદનનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
CJI નું એવું શું નિવેદન હતું જેના કારણે આ પાર્ટી બની?
આ(Cockroach Janta Party) અનોખા ડિજિટલ વિરોધ અને વ્યંગની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતના એક નિવેદન બાદ થઈ હતી. વાસ્તવમાં, થોડા દિવસો પહેલાં એક સુનાવણી દરમિયાન તેમણે બેરોજગાર યુવાનોના સંદર્ભમાં ‘કોકરોચ’ (વાંદા) શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનો અર્થ એવો થતો હતો કે આવા યુવાનો નોકરી કે કરિયરમાં કંઈ ખાસ કરી શકતા નથી. જોકે, બાદમાં તેમણે પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમણે આ ટિપ્પણી માત્ર ‘ફર્જી (નકલી) ડિગ્રી’ ધરાવતા લોકો માટે કરી હતી. પરંતુ સોશિયલ મીડિયાના ટ્રોલર્સ અને મીમર્સ ક્યાં માને તેમ હતા! આ નિવેદનને લઈને જોરદાર મીમ્સ બનવા લાગ્યા અને તેમાંથી જ આ ‘કોકરોચ જનતા પાર્ટી’નો જન્મ થયો.
શું આ કોઈ સાચી રાજકીય પાર્ટી છે?
ના, આ કોઈ સત્તાવાર કે ચૂંટણી લડનારી રાજકીય પાર્ટી નથી, પરંતુ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર બનેલું એક સેટાયર (રાજકીય વ્યંગ) પેજ છે, જે સોશિયલ મીડિયા યુઝર્સનું ભારે ધ્યાન ખેંચી રહ્યું છે. આ હેન્ડલના બાયો (Bio) માં લખવામાં આવ્યું છે કે, “આ દેશના યુવાનોનો એક ડિજિટલ રાજકીય મોરચો છે, જે યુવાનો માટે અને યુવાનો દ્વારા જ ચલાવવામાં આવે છે.” સીજીઆઈના નિવેદન સામે કટાક્ષ કરવા માટે જ આ આખું અકાઉન્ટ ઊભું કરવામાં આવ્યું છે.
Cockroach Janta Party માં જોડાવા માટેની ‘લાયકાત’
આ પેજ દ્વારા ડિજિટલ મેમ્બર બનવા માટે પણ બહુ રમૂજી અને કટાક્ષથી ભરેલી લાયકાતો નક્કી કરવામાં આવી છે:
યુઝર ફરજિયાતપણે બેરોજગાર અને આળસુ હોવો જોઈએ!
દિવસ દરમિયાન ઓછામાં ઓછા 11 કલાક સોશિયલ મીડિયા પર ઓનલાઈન રહેતો હોવો જોઈએ.
જો કોઈ વ્યક્તિ આ માપદંડો પૂરા કરે, તો આ પેજ તેને પોતાના સભ્ય માની લે છે. નવાઈની વાત એ છે કે આ સોશિયલ મીડિયા પેજને વાસ્તવિક રાજકારણીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મોઇના મિત્રા અને કીર્તિ આઝાદ જેવા મોટા નેતાઓએ પણ આ(Cockroach Janta Party) હેન્ડલને ફોલો કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
માત્ર 24 કલાકમાં જ હજારો લોકોએ લીધું મેમ્બરશિપ
આ અકાઉન્ટ પર કરવામાં આવતા તીખા અને રમૂજી કટાક્ષો યુવાનોને એટલા પસંદ આવી રહ્યા છે કે પેજ શરૂ થયાના માત્ર 24 કલાકની અંદર જ તેના 10,000 થી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. વર્તમાન સમયમાં આ હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધીને 33,000 ને પાર પહોંચી ગઈ છે, અને આ પેજના એડમિન પોતાના ફોલોઅર્સને ગર્વથી ‘કોકરોચ’ કહીને જ સંબોધિત કરે છે!
