Supreme Court Virtual Hearing: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે સર્જાયેલા વૈશ્વિક ઈંધણ સંકટની અસર હવે દેશની સર્વોચ્ચ અદાલત પર પણ જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતને પહોંચી વળવા સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતના નિર્દેશ હેઠળ હવે સોમવાર અને શુક્રવારે માત્ર ‘વર્ચ્યુઅલ’ સુનાવણી કરવામાં આવશે.
Supreme Court : વર્ચ્યુઅલ સુનાવણી અને કાર પૂલિંગ
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સર્ક્યુલર મુજબ, વહીવટી અને કામગીરી સંબંધી અનેક મોટા ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત મિસલેનિયસ ડેઝ એટલે કે સોમવાર, શુક્રવાર અને અન્ય નિર્ધારિત દિવસોમાં હવે ભૌતિક હાજરીને બદલે માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કેસો ચલાવવામાં આવશે. આ સાથે જ ઈંધણના બગાડને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પરસ્પર સંમતિથી ‘કાર પૂલિંગ’ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજ માટે એક મોટો સંદેશ છે.
કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની વ્યવસ્થા
કોર્ટની રજિસ્ટ્રી શાખામાં કામ કરતા કર્મચારીઓ માટે પણ રાહતના સમાચાર છે, જે મુજબ દરેક શાખાના 50% કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કરી શકશે. જોકે, બાકીના સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે જેથી વહીવટી કામગીરી અટકે નહીં. આ વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે રજિસ્ટ્રાર દ્વારા સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવામાં આવશે અને જરૂર પડ્યે કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ બોલાવી શકાશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
વડાપ્રધાનની અપીલ બાદ એક્શન
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વિદેશી મુદ્રા ભંડારને બચાવવા અને સપ્લાય ચેઈનના પડકારોનો સામનો કરવા માટે વડાપ્રધાને નાગરિકોને બિનજરૂરી ખર્ચ અને વિદેશ યાત્રા ટાળવા પણ વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટનું આ પગલું તે દિશામાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થશે.
આ પણ વાંચો : ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ ની માંગ, કર્મચારી મંડળે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
આ પણ વાંચો : દિલ્હીના CM રેખા ગુપ્તાનો મોટો નિર્ણય! અઠવાડિયામાં 2 દિવસ મળશે ‘વર્ક ફ્રોમ હોમ’
આ પણ વાંચો : રાજ્યના કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ પર વિચારણા, કેબિનેટમાં થશે ચર્ચા
