Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ (Seventh Day Scho0l) અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. એક વિવાદ પૂરો થતો નથી અને બીજો વિવાદ ચાલુ થઈ જાય છે. તેના કારણે આજે સ્થિતિ એવી આવી છે કે ટ્રસ્ટ સંચાલિત સ્કૂલને સરકારે પોતાના હસ્તક લેવી પડી છે.
સરકાર હવે સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) ને પોતાના હસ્તક લેતા તેના એક પછી એક કારનામા બહાર આવવા લાગ્યા છે. વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર માર્યાનો વિવાદ જૂનો થયો ત્યાં હવે નવા વિવાદનો ફણગો ફૂટ્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલે સરકારી ધારાધોરણ અને નિયમ મુજબ RTE હેઠળ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને એડમિશન ન આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ પાછી એક કે બે નથી 2,400 જેટલા વિદ્યાર્થીઓને તેણે પ્રવેશથી વંચિત રાખ્યા છે.

આ બતાવે છે કે સેવન્થ ડે સ્કૂલે કયા-કયા પ્રકારના કારનામા કર્યા છે. હવે વિચારો કે 2,400 જેટલા વિદ્યાર્થીઓ જે સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ મેળવવાને લાયક હોવા છતાં પણ તેને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આમ આ સ્કૂલે કેટલાય વિદ્યાર્થીઓનો હક્ક મારી ખાધો છે તેનો પુરાવો આના પરથી મળે છે.
આ પહેલા સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) લઘુમતી સંસ્થા હોવાનો દાવો કરીને RTE હેઠળ પ્રવેશ ટાળતી હતી. જ્યારે તેની સામે અરજી કરનારા અરજદારોનો આક્ષેપ છે કે વાસ્તવમાં શાળાએ પોતાને લઘુમતી ગણાવીને સૌથી વધારે અન્યાય લઘુમતી સમાજના લોકોને જ કર્યો ન હતો. તેણે લઘુમતી સમાજના બાળકોને પણ જોઈએ તેટલા એડમિશન ન આપવાના કારણે તેઓ પણ સ્કૂલથી નારાજ છે. તેના કારણે લઘુમતી સમાજના જ 2,400થી વધુ બાળકોને તેણે પ્રવેશથી વંચિત રાખ્યા હોવાનું કહેવાય છે. આ વિદ્યાર્થીઓ ખરેખર RTE હેઠળ એડમિશનને પાત્ર હતા.
આ સ્પષ્ટપણે બતાવે છે કે સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટે (Seventh Day School) પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવી નથી. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ સામે ગેરરીતિના પણ ગંભીર આક્ષેપ થયા છે. આ સિવાય ફી વધારાને લઈને પણ સ્કૂલ વિવાદમાં આવી હતી. આ બધાના કારણે સ્કૂલના ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં સ્કૂલ સામે જબરદસ્ત આક્રોશની લાગણી પ્રવર્તે છે. આના કારણે સરકારે સ્કૂલના મેનેજમેન્ટને સુપરસીડ કરીને તેનો વહીવટ પોતાના હાથમાં લેવાની ફરજ પડી છે.
હજી થોડા સમય પહેલાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ સહવિદ્યાર્થીઓ દ્વારા બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હોવાના મામલે NSUIએ શાળા અને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે NSUIએ ગઇકાલે (6 ફેબ્રુઆરી) મોડી રાતે સ્કૂલના તમામ ગેટ પર તાળા મારી દીધા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, ધોરણ 7માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી (student) ક્લાસનો મોનિટર હતો. સ્કૂલ છૂટતી વખતે તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવા કહ્યું હતું, જેને લઈને ત્રણ વિદ્યાર્થીઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે ત્રણેયએ મોનિટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાના બીજા દિવસે શાળા ચાલતી હતી તે દરમિયાન મોનિટર વોશરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા અને કોલર પકડીને તેની સાથે મારામારી કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ બ્લેડ વડે મોનિટરના શર્ટના બટન કાપી નાખ્યા હતા અને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટના બાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ શાળાકીય વહીવટીતંત્રને જાણ કરી હતી, પરંતુ કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બ્લેડ વડે શર્ટ ફાડવામાં આવ્યું હતું.
આ મામલે સ્કૂલ સંચાલકો પર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લાગ્યો છે. શાળાએ દાવો કર્યો હતો કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ પાસે બ્લેડ નહોતી, જ્યારે ફરિયાદમાં વિપરીત વિગતો સામે આવી છે. વાલીની ફરિયાદ બાદ શાળાએ માત્ર બેગ ચેક કરીને મામલો સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાને લઈને NSUIએ સરકાર અને સ્કૂલના જવાબદાર અધિકારીઓ સામે વિરોધ શરૂ કર્યો છે. NSUIના નેતાઓ ચિરાગ દરજી અને વેદાંત તોમર મોડી રાતે સ્કૂલ પહોંચ્યા હતા અને સ્કૂલના તમામ ગેટ પર પોતાના તાળા મારી દીધા હતા.
NSUIનું કહેવું છે કે જ્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી રોજ રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. વેદાંત તોમરે જણાવ્યું હતું કે “દિવસે સ્કૂલ બહાર વિરોધ કરીશું અને રાત્રે સ્કૂલને તાળા મારી બંધ કરાવીશું. આ લડાઈ અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે.”
