Gandhinagar News/ રાજ્યના કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ પર વિચારણા, કેબિનેટમાં થશે ચર્ચા

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર. ઇંધણ બચાવવા માટે રાજ્ય સરકાર Work From Home અને રોટેશન સિસ્ટમ લાગુ કરવા અંગે કરી રહી છે વિચારણા. આવતીકાલે કેબિનેટમાં લેવાઈ શકે છે નિર્ણય.

Gujarat Gandhinagar Top Stories
Gujarat Government Work From Home

Gujarat Government Work From Home: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ઇંધણ બચાવવા અને કામની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવેલી વિશેષ અપીલની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર પોતાના સરકારી કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) વ્યવસ્થા અમલમાં મૂકવા અંગે અત્યંત ગંભીરતાથી વિચારણા કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.

સરકાર કયા બે મોડલ પર કરી રહી છે વિચારણા?

સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હાલમાં વર્ક ફ્રોમ હોમના બે મુખ્ય વિકલ્પો (મોડલ) પર કામ કરી રહી છે. જેમાં પ્રથમ વિકલ્પ (સંપૂર્ણ WFH) હેઠળ સરકારના કેટલાક એવા પસંદગીના વિભાગો, જ્યાં કર્મચારીઓની ભૌતિક હાજરી અત્યંત જરૂરી નથી, ત્યાં તેમને સંપૂર્ણ રીતે ઘરે બેસીને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે બીજા વિકલ્પ (રોટેશન સિસ્ટમ) અંતર્ગત કર્મચારીઓની હાજરી રોટેશન (વારાફરતી) પદ્ધતિથી નક્કી કરવામાં આવશે, એટલે કે કર્મચારીઓએ અઠવાડિયાના અમુક દિવસ ઓફિસ જવાનું રહેશે અને બાકીના દિવસ ઘરેથી જ કામ કરવાનું રહેશે.

Work From Home: આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

સરકારી કચેરીઓમાં આ સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારના કેટલાક સ્પષ્ટ અને હકારાત્મક ઉદ્દેશ્યો રહેલા છે. જેનાથી દરરોજ હજારો વાહનો દ્વારા થતી અવરજવર અટકશે અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં મોટો ઘટાડો થતાં ઇંધણની જંગી બચત થશે. આ ઉપરાંત, કચેરીઓમાં ભીડ અને રસ્તાઓ પર વાહનોનું ભારણ ઘટવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને વાયુ પ્રદૂષણમાં પણ મોટી રાહત મળશે. કોરોના મહામારી દરમિયાન સરકારે વર્ક ફ્રોમ હોમનો સફળ પ્રયોગ કર્યો હતો, ત્યારે હવે ઈ-ઓફિસ (e-Office) અને ડિજિટલ માધ્યમોનો વ્યાપ વધ્યો હોવાથી દૂર બેઠા કામ કરવું એકદમ સરળ બન્યું છે, જે સરકારી કામકાજમાં ડિજિટલ કાર્યપદ્ધતિને વધુ પ્રોત્સાહન આપશે.

આવતીકાલની કેબિનેટ બેઠક પર સૌની નજર

જો સરકાર દ્વારા આ નિર્ણયને સત્તાવાર મંજૂરી આપવામાં આવશે, તો રાજ્યના હજારો સરકારી કર્મચારીઓને બહુ મોટી રાહત મળશે. સાથોસાથ, કર્મચારીઓના સમય તેમજ ઇંધણના ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. હવે સૌની નજર આવતીકાલે મળનારી ગુજરાત કેબિનેટની બેઠક પર ટકેલી છે. આ બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરી, ટેકનિકલ સુવિધાઓ અને વહીવટી અસરો અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ‘વર્ક ફ્રોમ હોમ’ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.


આ પણ વાંચો : ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ ની માંગ, કર્મચારી મંડળે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

આ પણ વાંચો : દિલ્હીના CM રેખા ગુપ્તાનો મોટો નિર્ણય! અઠવાડિયામાં 2 દિવસ મળશે ‘વર્ક ફ્રોમ હોમ’

આ પણ વાંચો : મહિલાઓના ‘વર્ક ફ્રોમ હોમ’ કન્સેપ્ટને સન્માન અપાવતા ઇલાબેન ભટ્ટ