Ahmedabad News/ AI જનરેટેડ વીડિયો દ્વારા છેતરપિંડી કરતી ગેગ ઝડપાઈ

AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને પીડિતના ફોટાથી આંખ ઝબકાવતો (blink) વિડિયો બનાવતો અને તેનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશન સિસ્ટમને ભુલાવતો હતો

Gujarat Ahmedabad
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AI જનરેટેડ વીડિયો અને આધાર ડેટાનો દુરુપયોગ કરીને ઠગાઈ કરતી ગેંગનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે

Ahmedabad News : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AI જનરેટેડ વીડિયો અને આધાર ડેટાનો દુરુપયોગ કરીને ઠગાઈ કરતી ગેંગનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીના આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલીને OTP, બાયોમેટ્રિક અને અન્ય માહિતી મેળવી ફ્રોડ કર્યો હતો.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ વિવિધ સોર્સમાંથી વ્યક્તિગત માહિતી ડાઉનલોડ કરી અને DigiLocker સહિતની ઓનલાઇન સેવાઓમાં લોગિન મેળવી ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ફેરફાર કર્યા હતા. ત્યારબાદ ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી અને લોન લેવા માટે પ્રયાસો કર્યા હતા. આ ગેંગે CIBIL રિપોર્ટમાં પણ ચેડાં કરીને વિવિધ ફાઇનાન્સ એપ્સ મારફતે પર્સનલ લોન માટે ઇન્ક્વાયરી કરી હતી.

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ ગેંગ (Gang)સાથે જોડાયેલા અન્ય લોકો વિશે તપાસ આગળ ધપાવી રહી છે.

પકડાયેલા આરોપીઓમાં કનુભાઈ પરમાર (ઉ.વ. 32), આશિષ વાળંદ (ઉ.વ. 27), મોહમ્મદ કૈફ પટેલ (ઉ.વ. 26) અને દીપ ગુપ્તા (ઉ.વ. 29)નો સમાવેશ થાય છે. આ તમામ અલગ-અલગ જગ્યાએ રહેતા હોવા છતાં એક ગોઠવાયેલ ગેંગ તરીકે કામ કરતા હતા.

આરોપીઓની ભૂમિકાઓ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કનુભાઈ પરમાર આધાર કાર્ડની કીટ ઉપલબ્ધ કરાવતા અને તે બદલ કમિશન મેળવેતા હતા. આશિષ વાળંદ આ કીટનો ઉપયોગ કરીને અન્ય સાગરીતોને આપતા અને સમગ્ર પ્રક્રિયાને સંકલિત કરતા હતા.

મોહમ્મદ કૈફ પટેલ આ ગેંગનો મુખ્ય ટેકનિકલ સભ્ય હતો. તે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને પીડિતના ફોટાથી આંખ ઝબકાવતો (blink) વિડિયો બનાવતો અને તેનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશન સિસ્ટમને ભુલાવતો હતો. ત્યારબાદ આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલી નાખવામાં આવતો.

દીપ ગુપ્તા પીડિતોની માહિતી, જેમ કે આધાર નંબર, મોબાઇલ નંબર અને ફોટો એકત્રિત કરીને અન્ય આરોપીઓને પહોંચાડતો અને કામ પૂર્ણ થયા બાદ કમિશન મેળવેતો હતો.

ગુનાની મોડસ ઓપરંડી

આ ગેંગ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ગુનો કરવામાં આવતો હતો:

  1. પીડિતોની વ્યક્તિગત માહિતી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવતી
  2. CSC સેન્ટર મારફતે UCL કીટનો ઉપયોગ કરીને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર બદલવામાં આવતો
  3. નવા મોબાઇલ નંબર પર આવેલ OTP દ્વારા ઓથેન્ટિકેશન પૂર્ણ કરવામાં આવતું
  4. AI આધારિત ડીપફેક વિડિયો દ્વારા ફિઝિકલ વેરિફિકેશન સિસ્ટમને બાયપાસ કરવામાં આવતું

અગાઉના ગુનાઓ અને તપાસ

આ કેસમાં મુખ્ય આરોપી આશિષ વાળંદ સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ(Gang) અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની સંભાવના છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસની અપીલ

સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને પોતાની વ્યક્તિગત માહિતી કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થા સાથે શેર ન કરવા જણાવ્યું છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો : આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના 2 આરોપી ઝડપાયા

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પર અંકુશ મૂકવા પોલીસની મોટી કાર્યવાહી, બેંક મેનેજરોને આપી કડક સૂચનાઓ