National News : દેશમાં વધતા ફુગાવા (Inflation)એ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો (WPI) વધીને 8.30% પર પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં આ દર 3.88% હતો. મહત્વનું એ છે કે ઓક્ટોબર 2022 પછીનો આ સૌથી ઊંચો સ્તર માનવામાં આવી રહ્યો છે.
ઇંધણ અને વીજળીના વધતા ભાવ બન્યા મુખ્ય કારણ
જથ્થાબંધ ફુગાવામાં વધારાનું સૌથી મોટું કારણ ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં થયેલો ભારે ઉછાળો છે. ઇંધણ ક્ષેત્રમાં ફુગાવો (Inflation)1.05% થી સીધો 24.71% સુધી પહોંચી ગયો છે. જેના કારણે વીજળી, ગેસ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત ખર્ચમાં મોટો વધારો નોંધાયો છે.
ઈરાન-અમેરિકા તણાવની વૈશ્વિક અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગયા છે. જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઇંધણ આધારિત ખર્ચમાં વધારો થયો છે.
શાકભાજીથી લઈને ફેક્ટરી માલ સુધી બધું મોંઘું
પ્રાથમિક ચીજવસ્તુઓમાં પણ મોટો વધારો નોંધાયો છે. કઠોળ, અનાજ અને શાકભાજી સહિતની આવશ્યક વસ્તુઓમાં ફુગાવો 6.36% થી વધીને 9.17% થયો છે. ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રમાં પણ પ્લાસ્ટિક, રબર અને કેમિકલ્સ જેવા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.
CPIમાં પણ વધારો, ઘરખર્ચ પર અસર
માત્ર જથ્થાબંધ ફુગાવો (Inflation)જ નહીં પરંતુ છૂટક ફુગાવો (CPI) પણ વધીને 3.48% થયો છે. જેના કારણે ઘરગથ્થુ બજેટ પર સીધી અસર જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં શું મોંઘું થઈ શકે?
અર્થશાસ્ત્રીઓના મતે જો જથ્થાબંધ બજારમાં કાચા માલના ભાવ સતત ઊંચા રહેશે તો આગામી સમયમાં સાબુ, તેલ, કપડાં, ગેસ અને વીજળી જેવા દૈનિક ઉપયોગના ઉત્પાદનો વધુ મોંઘા બની શકે છે.
સરકાર સામે મોટો પડકાર
ફુગાવા (inflation)ને નિયંત્રણમાં લેવા માટે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો જેવા પગલાં લઈ શકે છે. જોકે વૈશ્વિક ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે સરકાર માટે સ્થિતિ કાબૂમાં રાખવી સરળ નહીં રહે.
