વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ‘વર્લ્ડ મધર્સ ડે’ના રૂપમાં ઉજવવામાં આવે છે. કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તેવા આશયથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય, અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે સુરતની નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંક નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે.
બાળરોગ વિભાગના વડા ડો.વિજય શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવી સ્ક્રીનીંગ કરીને તેના બ્લડના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સિફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રિપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેશનમાં લેવામાં આવે છે. આ ડોનેટ કરેલા દુધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરી તેનુ રેપિડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રોબાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-૨૦)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.
નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક તા.૩/૩/૨૦૧૯થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૪,૭૦૪ માતાઓએ ૩,૫૦,૧૨૯ મિલિલીટર દુધ ડોનેટ કર્યું છે. જે ૩,૬૬૨ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું. ૯મી મે ‘વર્લ્ડ મધર્સ ડે’ એ પરિવારને એકસૂત્રમાં બાંધતી, બાળકોનું લાલન-પાલન કરતી માતાને આદર આપીએ. તેમજ અજાણ્યા નવજાત બાળકોની રક્ષક બની દુગ્ધ દાન કરનારી અનેકાનેક માતાઓને વંદન કરીએ.
.
