Deesa: ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેકટરી (Firecracker Factory) માં ભીષણ આગ લાગી છે. આ ભીષણ આગ (Fire) માં 17ના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં મૃત્યુઆંક 21 ઉપર પહોચ્યો હતો. આ આગની સાથે વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ધડાકો (Blast) થતાં ગોડાઉન (Godown) ધરાશાયી થઈ ગયું છે. આગની ઘટનાના પગલે ફાયરબ્રિગેડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આગનો વ્યાપ જોતાં ફાયરબ્રિગેડની વધુ ટુકડીઓ બોલાવવી પડે તેમ માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની ફટાકડા ફેક્ટરીની દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રુપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.જ્યારે રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય જાહેર કરી છે.
આઈજી ચિરાગ કોરડિયાના જણાવ્યા મુજબ ડીસા બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 ઉપર પહોંચ્યો છે. જ્યારે બ્લાસ્ટમાં ઘાયલ 5 લોકો સારવાર હેઠળ છે. તમામ મૃતકો મધ્યપ્રદેશનાહરદા જિલ્લાના હન્ડિયા ગામના રહેવાસી હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ પરિવારો મધ્યપ્રદેશથી મજૂરી અર્થે આવ્યા હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં બનેલ અગ્નિકાંડ સંદર્ભે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા. તમામના મૃતદેહો સન્માન સાથે તેમના વતન મોકલવામાં આવશે. જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતદેહોને વતનમાં મોતલવામાં આવશે. બીજીતરફ સમગ્ર ઘટનાને લઈને SITની રચના કરવામાં આવી છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. જેમાં DySP કક્ષાના અધિકારીને તપાસ આપવામાં આવી છે. LCB, SOG સહિત 5 અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે.લાયસન્સ ન હોવા છતાં માલિક સ્ટોક રાખી રહ્યા હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું.
આ બનાવના પગલે ડીસાના ફાયરબ્રિગેડ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાના પગલે ફેક્ટરી માલિક ભાગી ગયો છે અને શ્રમિકોના મૃતદેહોને ઓળખવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
ફેક્ટરીમાં વિસ્ફોટ અને તેના પછી લાગેલી આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ શ્રમિકો મધ્યપ્રદેશના છે. હજી તે બે દિવસ પહેલાં જ મજૂરી અર્થે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થવાથી તેમના મોત થયા છે.
ફટાકડા બનાવતી ફેક્ટરા દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન છે. આ વિસ્ફોટની તાકાત એટલી જબરદસ્ત હતી કે બાજુમાં આવેલું ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયુ હતુ અને તેનો કાટમાળ મોટાપાયા પર વિસ્તર્યો હતો. શ્રમિકોના માનવ અંગો દૂરદૂર સુધી ફેંકાતા લોકોમાં અરેરાટી ઊભી થઈ હતી.
દીપક ટ્રેડર્સ નામની ફેકટરીમાં આ વિસ્ફોટ થયો હતો, અહીં મોટાપાયા પર ફટાકડા બનાવવાનું કામ ચાલે છે. ઉત્તર ગુજરાતમાં આ ફેક્ટરી મોટાપાયે ફટાકડા પૂરા પાડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ફેક્ટરીના માલિક ખૂબચંદ સિંધી પાસે ફક્ત ફટાકડા વેચાણ કરવાની જ પરમિશન છે, પરંતુ તે ફટાકડા બનાવતો હતો, તેથી સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રએ બહુઆયામી ધોરણે તપાસનો પ્રારંભ કર્યો છે.
આ ધડાકામાં બચી ગયેલાઓની પાલનપુરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્તનું કહેવું છે કે તેમને ખબર જ ન પડી કે આ ધડાકો કઈ રીતે થયો છે. તેઓ ભાનમાં આવ્યા તો બધે આગ જ આગ હતી. કેટલાકનું કહેવું છે કે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં શ્રમિકો બીડીના બંધાણી હોય છે, તેથી કોઈ શ્રમિકે આ જ રીતે બીડી સંભવતઃ ફેંકી હોય તો આ પ્રકારની ઘટના બની શકે છે. અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી