Gandhinagar Sachivalaya Work From Home: કોરોના કાળ બાદ ખાનગી ક્ષેત્રમાં લોકપ્રિય બનેલું ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) કલ્ચર હવે સરકારી કચેરીઓમાં પણ લાગુ થાય તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્યના સૌથી મોટા વહીવટી કેન્દ્ર એવા ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓએ કામકાજની પદ્ધતિમાં મોટા અને આધુનિક ફેરફાર કરવાની માંગ કરી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘5 ડેઝ વર્ક વીક’ (અઠવાડિયામાં 5 દિવસ કામ) અમલમાં મૂકવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
Gandhinagar : ઈંધણની જંગી બચત અને પ્રદૂષણમાં થશે ઘટાડો
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ફેડરેશને ખૂબ જ વ્યાજબી તર્ક રજૂ કરતા જણાવ્યું છે કે, સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ દરરોજ પોતાના ખાનગી વાહનો અથવા સરકારી ગાડીઓ દ્વારા ગાંધીનગર અપ-ડાઉન કરે છે. આ દૈનિક અવરજવરના કારણે રોજના હજારો લિટર પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થાય છે.
જો સરકાર દ્વારા ‘હાઈબ્રિડ વર્ક મોડલ’ (Hybrid Work Model – જેમાં અમુક દિવસ ઓફિસ અને અમુક દિવસ ઘરેથી કામ કરવાનું હોય) અપનાવવામાં આવે, તો રાજ્યના ઈંધણમાં જંગી બચત થઈ શકે છે. સાથોસાથ, રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટવાથી વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો લાવી શકાય તેમ છે.
‘ઈ-ઓફિસ’ અને ડિજિટલ યુગમાં ઘરેથી કામ કરવું સરળ
કર્મચારી મંડળે વધુમાં જણાવ્યું છે કે, હાલના સમયમાં રાજ્ય સરકારનો મોટાભાગનો વહીવટ હાઈ-ટેક અને ડિજિટલ થઈ ગયો છે. સરકારના વિવિધ વિભાગોમાં ‘ઈ-ઓફિસ’ (e-Office) અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે.
આવી સ્થિતિમાં કર્મચારીઓ ઘરે બેસીને પણ ફાઈલોનો નિકાલ અને અન્ય કામકાજ પૂરી કાર્યક્ષમતાથી કરી શકે તેમ છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થવાથી ફાઈલોની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાનો હેતુ
સચિવાલયના વહીવટને સમયની સાથે વધુ આધુનિક બનાવવા અને કર્મચારીઓની માનસિક શાંતિ તેમજ કાર્યક્ષમતા વધારવા માટે અઠવાડિયામાં બે દિવસની રજા (5 Days Work Week) અને હાઈબ્રિડ મોડલ તાત્કાલિક ધોરણે લાગુ કરવા વિનંતી કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી આ કર્મચારી હિતના પ્રસ્તાવ પર શું નિર્ણય લે છે.
