Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ત્રણ અલગ (Ahmedabad Cyber Crime) બનાવ સામે આવ્યા છે. મણિનગર, કાલુપુર અને ખાડિયામાં બનેલી આ ઘટનાઓમાં વેપારીઓને કુલ રૂ.2.51 લાખનું નુકસાન થયાની ફરિયાદ નોંધાઈ છે. ક્યાંક IPO ભરવાની પ્રક્રિયા દરમિયાન ક્રેડિટ કાર્ડમાંથી રકમ કપાઈ, તો ક્યાંક ગેસ બિલ અપડેટ કરવાના બહાને બેંકની વિગતો મેળવી લેવામાં આવી. ત્રીજા બનાવમાં મોબાઇલ પર મોટી સંખ્યામાં OTP મેસેજ આવ્યા બાદ ત્રણ અલગ-અલગ બેંક ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાં હતાં. ત્રણેય કેસમાં સંબંધિત પોલીસ સ્ટેશનોએ તપાસ શરૂ કરી છે.
Ahmedabad Cyber Crime: મણિનગર: IPO ભરવા જતાં ક્રેડિટ કાર્ડમાંથી રૂ.99 હજાર કપાયા
મણિનગરમાં રહેતા કાપડના વેપારી નરેશ મતલાણી સાથે IPO ભરવાની પ્રક્રિયા દરમિયાન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, 11 ઑગસ્ટના રોજ તેઓ મોબાઇલથી IPO માટે અરજી (IPO Scam Ahmedabad) કરી રહ્યા હતા. આ દરમિયાન ‘Fizpay.in’ નામના શંકાસ્પદ વેબપેજ પર રૂ.99 હજારની રકમ દેખાઈ હતી. તેઓ પ્રક્રિયામાંથી બહાર નીકળે તે પહેલાં જ ઓટો-OTP દાખલ થઈ જતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.99 હજાર કપાઈ ગયા હતા. આ રકમ ‘ઝિન્કા લોજિસ્ટિક્સ’ના નામે ટ્રાન્ઝેક્શન થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વેપારીએ મણિનગર પોલીસનો સંપર્ક કરતાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે.
કાલુપુર: ગેસ બિલ અપડેટ કરાવવાના નામે વૃદ્ધ વેપારીને નિશાન બનાવ્યા
કાલુપુરમાં મોતીકામનો વ્યવસાય કરતા 71 વર્ષીય કેયુર ઝવેરી સાથે રૂ.96 હજારની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ છે. ફરિયાદ અનુસાર, 14 ઑક્ટોબરે તેમને અદાણી ગેસ સાથે સંકળાયેલા હોવાનો દાવો (Gas Bill Update Scam) કરનાર રાજીવ કુશવાહા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર એક ફોર્મ મોકલી તેમાં કન્ઝ્યુમર આઈડી, બેંક ખાતા અને ડેબિટ કાર્ડની વિગતો ભરાવવામાં આવી હતી. બીજા દિવસે તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.96 હજાર ઉપડી (Kalupur Online Fraud) ગયા હતા. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખાડિયા: મોબાઇલ પર 100થી વધુ OTP મેસેજ, ત્રણ ખાતાંમાંથી રૂ.55 હજાર ઉપડ્યા
ખાડિયામાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા ક્રિષ્નાકુમાર રાજપુરોહિત સાથે પણ સાયબર છેતરપિંડીનો બનાવ બન્યો છે. ફરિયાદ મુજબ, 23 ઑક્ટોબરે તેમના મોબાઇલ પર વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મના 100થી વધુ OTP મેસેજ એકસાથે આવવા લાગ્યા હતા. ત્યારબાદ બેંક ખાતાં તપાસતાં ત્રણ અલગ-અલગ ખાતાંમાંથી કુલ રૂ.55 હજાર ઉપડી ગયાની જાણ થઈ હતી. આ મામલે તેમણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
સાયબર ઠગાઈથી બચવા શું ધ્યાન રાખવું?
આ ત્રણેય બનાવો ઓનલાઇન વ્યવહારો દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. IPO માટે હંમેશાં અધિકૃત પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો. ગેસ બિલ કે અન્ય સેવા અપડેટ કરવાના નામે ફોન અથવા વોટ્સએપ પર બેંક અને કાર્ડની વિગતો માગવામાં આવે તો પહેલાં સંબંધિત કંપનીની સત્તાવાર ચેનલથી ખરાઈ કરો. અજાણ્યા વ્યવહારો માટે આવતા OTP કોઈની સાથે શેર ન કરો. મોબાઇલ પર અચાનક મોટી સંખ્યામાં OTP આવે અથવા ખાતામાંથી અજાણ્યો વ્યવહાર થાય તો તરત બેંકનો સંપર્ક કરીને ખાતું સુરક્ષિત કરાવો અને સાયબર ક્રાઇમની સત્તાવાર હેલ્પલાઇન 1930 પર જાણ કરો.
આ પણ વાંચો: ડેટિંગ એપ પર મિત્રતા કરી સુરતી યુવક સાથે રૂ.5.88 લાખની છેતરપિંડી, વારાણસીથી જિમ ટ્રેનરની ધરપકડ
આ પણ વાંચો: ઓનલાઇન ઓર્ડરમાં ગ્રાહકો સાથે છેતરપિંડી! એમેઝોન પાર્સલ કૌભાંડમાં 3ની ધરપકડ
આ પણ વાંચો: રાજકોટમાં નકલી દવાની વેબસાઇટથી છેતરપિંડીનો આરોપ, 10 ઝડપાયા અને 5 ફરાર
