Monsoon 2026 India: આકરી ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે હવામાન વિભાગ (IMD) તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon 2026) પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેઘરાજા હવે આગળ વધવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને 16 મે ની આસપાસ દક્ષિણ બંગાળની ખાડીમાં તેનું આગમન થઈ જશે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં આકરી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Monsoon : નિર્ધારિત સમય કરતા વહેલી એન્ટ્રી
સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 20 મે ની આસપાસ આંદામાન સમુદ્ર અને પોર્ટ બ્લેરમાં પ્રવેશ કરતું હોય છે. ત્યારબાદ 1 જૂનના રોજ કેરળમાં તેની સત્તાવાર એન્ટ્રી થાય છે. પરંતુ આ વર્ષે પવન અને હવામાનની અનુકૂળ સ્થિતિ જોતા ચોમાસું 16 મે ના રોજ જ આંદામાન અને નિકોબાર ટાપુઓના વિસ્તારોમાં પહોંચી જશે તેવી પ્રબળ સંભાવના છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
ચોમાસાની શરૂઆતની અસરોના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર રાજ્યોમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 19 મે સુધી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 17 મે સુધી ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. ખાસ કરીને 15 અને 16 મે ના રોજ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી છે.
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી
જ્યાં એક તરફ દક્ષિણમાં વરસાદ પડશે, ત્યાં ઉત્તર ભારતના રાજ્યો (પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને રાજસ્થાન) માં આગામી દિવસોમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસનો મોટો વધારો થવાની ધારણા છે. જેથી આ વિસ્તારોમાં હીટવેવ (લૂ) નો પ્રકોપ ચાલુ રહેશે.
જોકે, પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઇમેટ (Skymet) ના જણાવ્યા અનુસાર, 15 મે થી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવો ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થઈ રહ્યો છે. જેના કારણે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15-16 મે ના રોજ હળવો વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે.
