Ambalal Patel Weather Forecast: ગુજરાતના આકાશમાં અત્યારે બે ઋતુઓનો વિચિત્ર સંગમ જોવા મળી રહ્યો છે. વૈશાખના બળબળતા તાપ વચ્ચે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાએ જગતના તાતને અને લગ્નના આયોજનોમાં વ્યસ્ત પરિવારોને ઊંડી ચિંતામાં મૂકી દીધા છે.
ખેડૂતો ચિંતિત, લગ્નના મંડપો વેરવિખેર
દાહોદ, ઝાલોદ, ફતેપુરા, લીમડી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ સૌને ચોંકાવી દીધા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવનને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે. આ દિવસોમાં અનેક પરિવારોના આંગણે દીકરી-દીકરાના લગ્નના રૂડાં પ્રસંગો ચાલી રહ્યા છે, ત્યારે અચાનક ફૂંકાયેલા વાવાઝોડાએ ખુશીના મંડપોને ઉડાડી મૂક્યા છે. બીજી તરફ, મહેનતકશ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિથી તેમના જીવ પડીકે બંધાયા છે. પ્રકૃતિની આ અણધારી થપાટ માનવીને પોતાની મર્યાદાઓ સમજાવી રહી છે.

8 મે સુધી સાચવજો: Ambalal Patel
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે 5 થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પૂરી સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

11 મે પછી આકાશમાંથી અગનગોળા વરસશે
જો અત્યારના વરસાદથી ઠંડકની આશા રાખી હોય, તો તે બહુ લાંબી નહીં ટકે. 11 મે પછી રાજ્યમાં ગરમીનો પ્રકોપ ભયંકર રીતે વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છની ધરા પણ ભઠ્ઠીની જેમ તપશે.
વાવાઝોડા અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીના એંધાણ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની પ્રબળ સંભાવના છે. ત્યારબાદ, 23 મેની આસપાસથી ગુજરાતમાં પ્રી-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) પ્રવૃત્તિઓનો વિધિવત પ્રારંભ થઈ શકે છે.
