Unseasonal Rain Gujarat: ગુજરાતમાં એક તરફ ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે અને આકરી ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ કુદરતનો વધુ એક માર ખેડૂતો પર પડવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે.
કેમ સર્જાઈ રહી છે માવઠા (Unseasonal Rain)ની સ્થિતિ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, 15 એપ્રિલની રાતથી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે. આ બંને સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. દરિયો અસ્થિર રહેવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેમાં 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે. આ ઉપરાંત 20 એપ્રિલના રોજ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

પવનની ગતિ 50 કિમી સુધી રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 એપ્રિલની આસપાસ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ‘સિવિયર વાવાઝોડું‘ સર્જાઈ શકે છે, જેની અસર અરબ સાગરમાં પણ જોવા મળી શકે છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
એક પછી એક આવી રહેલી આકાશી આફતોએ ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જો વરસાદ પડે તો મોટા નુકસાનની ભીતિ છે. તંત્ર દ્વારા ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને ખુલ્લામાં ન રાખવા સલાહ આપવામાં આવી છે.
