Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ઋતુઓનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. માવઠાના ડર વચ્ચે બફારો અને ગરમી વધતા લોકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો હજુ 2 થી 3 ડિગ્રી ઊંચો જવાની પૂરી શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ગરમીનું જોર સૌથી વધુ
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 35.3 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 34.7 ડિગ્રી અને કેશોદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને વડોદરામાં પણ 34 ડિગ્રીને પાર
સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પણ લોકો દિવસે આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે, જેમાં અમદાવાદમાં 34.2 ડિગ્રી, વડોદરામાં 34.1 ડિગ્રી અને સુરતમાં 34.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અન્ય શહેરોનું તાપમાન (Weather)
ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ધીમે ધીમે ગરમીનો પારો ઊંચકાયો છે, જેમાં ભુજમાં 33.7 ડિગ્રી, ગાંધીનગરમાં 33.6 ડિગ્રી અને ડીસામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ખેડૂતો અને સામાન્ય લોકો માટે બેવડી ચિંતા
ગરમીમાં સતત થઈ રહેલા આ વધારા અને માવઠાની શક્યતાઓએ ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જો આ ગરમી વચ્ચે કમોસમી વરસાદ ખાબકે, તો શિયાળુ પાક અને ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં માવઠું, ગાજવીજ સાથે વરસાદ, તેજ પવનની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી
