Gandhinagar News/ ગુજરાતમાં શાળાઓનું વેકેશન લંબાયું એ અફવા છે કે હકીકત? શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

Gujarat School Vacation Extension Rumor: ગુજરાતમાં ગરમીને કારણે સ્કૂલ વેકેશન 18 જૂન સુધી લંબાયાનો મેસેજ ફેક સાબિત થયો છે. 8 જૂનથી જ શાળાઓ શરૂ થશે. તો પેટ્રોલ-CNG મોંઘા થતાં સ્કૂલ વાન ફીમાં 10% નો વધારો ઝીંકાયો.

Top Stories Gandhinagar Gujarat
Gujarat School Vacation Extension Rumor

Gujarat School Vacation Extension Rumor: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપ વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓનું ઉનાળુ વેકેશન લંબાયું હોવાના મેસેજ વાયરલ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસ ફેલાઈ હતી. જોકે, આ વાયરલ મેસેજ અંગે રાજ્યના શિક્ષણ વિભાગે બહુ મોટી સ્પષ્ટતા કરી દીધી છે. બીજી તરફ, નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ વાલીઓ પર મોંઘવારીનો મોટો બોજ ઝીંકાયો છે. ઇંધણના ભાવવધારાને પગલે સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશને ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકી દીધો છે.

8મી જૂનથી જ શરૂ થશે શાળાઓ (School)

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગુજરાત સરકારે અસહ્ય ગરમીને કારણે ઉનાળુ વેકેશન 18 જૂન સુધી લંબાવી દીધું છે. જોકે, શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વાયરલ મેસેજ સદંતર ખોટો છે અને તેમાં કોઈ તથ્ય નથી. સરકાર દ્વારા વેકેશન લંબાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. નિયમિત શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ આગામી 8મી જૂનથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ શરૂ થઈ જશે. તંત્રએ વાલીઓને આવા કોઈ પણ ભ્રામક અહેવાલોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ પણ સરકારને વેકેશન ન લંબાવવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે. જો શાળાઓ મોડી શરૂ થશે તો બોર્ડની પરીક્ષાઓ અને ગણિત-વિજ્ઞાન જેવા અઘરા વિષયોનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે.

સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં 10 ટકાનો વધારો

એક તરફ વેકેશન પૂરું થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના ભાવમાં થયેલા સતત વધારાને કારણે વાલીઓના ખિસ્સા વધુ હળવા થશે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા 8 જૂનથી શરૂ થતા નવા સત્રથી જ ભાડામાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી એકલા રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના આશરે 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર મોંઘવારીનો સીધો માર પડશે.

સમજી લો ભાડા વધારાનું ગણિત 

માસિક ધોરણે અત્યાર સુધી જે રિક્ષા કે વાનનું માસિક ભાડું ₹1200 હતું, તેમાં ₹120 થી ₹150 નો વધારો થતાં હવે વાલીઓએ ₹1350 થી ₹1400 આસપાસ ચૂકવવા પડશે અને જ્યાં ભાડું ₹1500 હતું ત્યાં ₹150 વધી જશે. જ્યારે વાર્ષિક ધોરણે વાત કરીએ તો, ₹1200 લેખે જે વાર્ષિક ભાડું ₹14,400 થતું હતું, તેમાં 10 ટકા મુજબ ₹1440 નો વધારો થશે, જ્યારે ₹1500 લેખે વાર્ષિક ₹18000 ના ભાડા પર સીધો ₹1800 નો વધારો ઝીંકાતા વાલીઓએ વર્ષે ₹19,800 ચૂકવવા પડશે.

બે-ત્રણ વર્ષથી ભાવ વધાર્યો નહોતો

રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે, “બે વર્ષ પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹76 હતો, જે હવે વધીને ₹88 થઈ ગયો છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના વધતા ભાવો વચ્ચે અમે છેલ્લા 3 વર્ષથી કોઈ વધારો કર્યો નહોતો. વાલીઓ સાથે અમારે પારિવારિક સંબંધો છે, પરંતુ નછૂટકે અમારે આ માસિક ₹150થી ₹200 નો સામાન્ય વધારો કરવો પડ્યો છે.” બીજી તરફ વાલીઓનું કહેવું છે કે, નોકરી-ધંધાને કારણે બાળકોને જાતે સ્કૂલે લેવા-મૂકવા જવું શક્ય નથી, એટલે મજબૂરીમાં પણ આ મોંઘવારી સહન કર્યા વિના કોઈ છૂટકો નથી.


આ પણ વાંચો : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ

આ પણ વાંચો : ગરમીનો કહેર! દેશભરમાં શાળાઓના સમય બદલાયા, અનેક રાજ્યોમાં વહેલું વેકેશન જાહેર

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળાઓના સમયમાં કરાયો ફેરફાર