Gujarat Monsoon 2026 Date: સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં જ્યારે સુરજદાદા આકરા પાણીએ છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે વરસાદને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક આપી શકે છે.
ક્યારે બેસશે Monsoon ? જાણો સંભવિત તારીખો
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF)ના ડેટા મુજબ આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે, જે અંતર્ગત 18 થી 25 મે વચ્ચે ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી શકે છે અને ૨૫ મેની આસપાસ કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે તેમ છે. બીજી તરફ, ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે.

વહેલા ચોમાસા પાછળનું કારણ શું?
હવામાન શાસ્ત્રીઓના મતે, આ વખતે ‘અલ નીનો’ની અસરમાં ઘટાડો અને ‘પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાઈપોલ’ની સ્થિતિને કારણે વરસાદ વહેલો શરૂ થવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે અગાઉ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે ત્રણ વર્ષમાં પ્રથમ વખત આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે છે.
ગરમી વચ્ચે આવશે વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆત દરમિયાન પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. મે મહિનામાં પણ ગાજવીજ સાથે અચાનક વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે, જ્યારે જૂન અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતીઓ માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે. જોકે, એપ્રિલના અંતમાં આવનારો વરસાદ ખેતીના પાક માટે ચિંતાનો વિષય પણ બની શકે છે.
