Ahmedabad News : અમદાવાદના જૂના શહેરના વ્યસ્ત બજાર વિસ્તારમાં આજે બપોરે આગ(Fire)ની ઘટના બનતા અચાનક ગભરાટ ફેલાયો હતો. માણેકચોક ખાતે આવેલી જીણાભાઈ ચેમ્બર્સ ના ભોંયરામાં આગ લાગતા વેપારીઓ અને ખરીદદારોમાં દોડધામ મચી ગઈ હતી
અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર આવતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. ભરચક વિસ્તારમાં આગ(Fire) લાગતા થોડીવાર માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો સલામતી માટે દુકાનો બંધ કરી બહાર નીકળી ગયા હતા.
શોર્ટ સર્કિટથી આગની પ્રાથમિક આશંકા
પ્રાથમિક માહિતી મુજબ ભોંયરામાં આવેલી વીજ મીટર બોક્સમાં સ્પાર્ક થતાં આગ(Fire) ભભૂકી ઊઠી હતી. ધડાકા સાથે આગ લાગતાં જ ધુમાડો ઝડપથી ફેલાયો હતો, જેના કારણે અંદર રહેલા લોકોને તરત બહાર ખસવું પડ્યું. હાલ શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
સાંકડી ગલીઓએ ફાયર બ્રિગેડને રોકી
ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં સૌથી મોટી અડચણ સાંકડી ગલીઓ અને ટ્રાફિકનું દબાણ બન્યું. ભારે જહેમત બાદ જવાનોએ સ્થળ સુધી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મોટી જાનહાનિ ટળી
ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ હવે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી ચાલુ છે.
