Gujarat News : રાજ્યમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતી જીવલેણ ‘ગ્લુ ટ્રેપ’ (Glue Trap)પર પ્રતિબંધ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારની કાર્યશૈલી પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે માત્ર કાગળ પરના આદેશો પૂરતા નથી, અમલીકરણ પણ એટલું જ જરૂરી છે.
અધૂરા સોગંદનામા પર કોર્ટનો ઇનકાર
સરકાર દ્વારા રજૂ કરાયેલ અધૂરા અને અસ્પષ્ટ સોગંદનામાને કોર્ટએ સ્વીકારવાનું નકારી દીધું. ખંડપીઠે ટકોર કરી કે તંત્રને એ પણ ખબર નથી કે પ્રતિબંધિત વસ્તુઓ બજારમાં કેવી રીતે વેચાઈ રહી છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
ચીફ સેક્રેટરી પાસેથી વિગતવાર જવાબ તલબ
કોર્ટએ રાજ્યના મુખ્ય સચિવ પાસેથી અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અંગે સંપૂર્ણ વિગતો માંગીને સ્પષ્ટ કર્યું કે માત્ર સર્ક્યુલર જાહેર કરવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. તેના પાલન અને દેખરેખ પણ તંત્રની ફરજ છે.
ઑનલાઇન વેચાણ પર પણ ઉઠ્યા સવાલ
કોર્ટએ નોંધ્યું કે ઓફલાઇન પ્રતિબંધ હોવા છતાં ઑનલાઇન પ્લેટફોર્મ પર ગ્લુ ટ્રેપ(Glue Trap0નું વેચાણ ચાલુ છે, જે અમલમાં ખામી બતાવે છે. આ મુદ્દે તંત્રને વધુ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી.
કલેક્ટર અને વિભાગોને તાત્કાલિક રિપોર્ટનો આદેશ
રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને એનિમલ હસબન્ડરી વિભાગને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા કોર્ટએ આદેશ આપ્યો છે. સાથે જ ચેતવણી આપવામાં આવી કે કોર્ટના આદેશનું પાલન ન થાય તો કડક કાર્યવાહી થશે.
પ્રાણીઓની પીડા મુદ્દે ગંભીરતા
ગ્લુ ટ્રેપ(Glue Trap)માં ફસાયેલા પ્રાણીઓ અત્યંત પીડાદાયક રીતે મૃત્યુ પામે છે, જેના કારણે તેના પર પ્રતિબંધની માંગ ઉઠી છે. પરંતુ અમલીકરણમાં તંત્રની નિષ્ફળતા સામે હવે હાઈકોર્ટ કડક બની છે.
