Ahmedabad News: પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજી કહેતા કે, “સુશાસન એટલે લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ અને તેમના વિકાસ માટે સતત પ્રયાસ”. 25 ડિસેમ્બર, 2025ના દિવસે ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીના અવસરને દેશભરમાં ‘સુશાસન દિવસ’તરીકે ઉજવવામાં આવશે.
સુશાસન પર્વની ઉજવણી સેવા અને સમર્પણ થકી જનસામાન્યને સતત વિકાસની અનુભૂતિ કરાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વની સાબિત થશે. નાગરીકોની આશાઓ-અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે.
દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. અગત્યના મહેસુલી સુધારાઓ સહીત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસની નેમ સાથે સતત પ્રગતિ કરતા ગુજરાતના સુશાસન અને ગુડ ગવર્નન્સ મોડલની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લો પણ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં મહેસૂલી પ્રક્રિયામાં ટેકનોલોજી અને પારદર્શિતાના સમન્વયથી અનેકવિધ મહત્વના પ્રકલ્પો થકી નાગરિકોને ‘Good Governance’ની અનુભૂતિ કરાવી રહ્યો છે.
અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લા કલેક્ટર તંત્રએ પાછલા બે વર્ષમાં મહેસૂલી ક્ષેત્રે જે મહારથ હાંસલ કરી છે, તે પથદર્શક છે. ગુડ ગવર્નન્સ ઇનિશીએટીવના ભાગરૂપે અમદાવાદ શહેર જિલ્લામાં અમલી વિવિધ સુશાસન પ્રકલ્પો અને મહેસુલી સુધારાઓ વિશે ચાલો જાણીએ.
ઈ-ધરા 2.0: ખેડૂતોના દ્વારે ડિજિટલ રેકોર્ડ
જમીન વહીવટમાં સચોટતા લાવવા માટે ‘ઈ-ધરા 2.0’ અંતર્ગત રેકોર્ડનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાના હજારો ખેડૂતો હવે ઘરે બેઠા QR Code અને ડિજિટલ સિગ્નેચરવાળા 7/12 અને 8-અના ઉતારા ઓનલાઈન મેળવી રહ્યા છે.
i-ORA 2.૦: ફેસલેસ અને પેપરલેસ ગવર્નન્સ
બિન-ખેતી (NA)ની મંજૂરી હોય કે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી, અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં i-ORA પોર્ટલ દ્વારા સમગ્ર પ્રક્રિયા ૧૦૦% ઓનલાઈન બનાવવામાં આવી છે. નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાની ‘ડીમ્ડ પરમિશન’ જેવી જોગવાઈથી નાગરિકો આ સંબંધિત વિવિધ સેવાઓ સરળતાથી અને ઝડપથી મેળવી રહ્યા છે.
મહેસૂલ સેવા આપના દ્વારે: લોક-દરબાર અને ન્યાય
જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ‘મહેસૂલ સેવા સેતુ’ ઝુંબેશ અંતર્ગત વિરમગામ અને દસક્રોઈ જેવા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રાત્રિ સભાઓ, લોક-દરબાર અને કેમ્પ યોજીને ‘ખેડૂત ખરાઈ’, વારસાઈ હક્ક અને હક્ક કમી કરવા જેવા વર્ષો જૂના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. આ મુહીમ અંતર્ગત જે પરિવારોના વર્ષોથી વારસાઈ કેસો પેન્ડિંગ હતા, તેમને એક જ દિવસમાં નિકાલ કરી ‘હક્ક પત્રક’ એનાયત કરવામાં આવ્યા.
સ્વામિત્વ યોજના: ડ્રોનથી ગામડાની મિલકતોની માપણી
ગામતળની મિલકતોના કાયદેસરના રેકોર્ડ માટે અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ગામોમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આનાથી હજારો ગ્રામીણ પરિવારોને પોતાના ઘરનું ‘પ્રોપર્ટી કાર્ડ’ મળ્યું છે, જેના આધારે તેઓ બેંક લોન પણ લઈ શકે છે.
NGDRS: દસ્તાવેજ નોંધણી હવે આંગળીના ટેરવે

નેશનલ જેનરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ (NGDRS) દ્વારા અમદાવાદ (Ahmedabad) માં દસ્તાવેજ નોંધણી માટે ‘એની ટાઈમ રજિસ્ટ્રેશન’ સુવિધા અમલી બની છે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટના કારણે સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થઈ છે.
પ્રીમિયમની ઓનલાઈન ગણતરી અને ચૂકવણી
નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવતી વખતે પ્રીમિયમ નક્કી કરવાની પ્રક્રિયા અમદાવાદમાં હવે સંપૂર્ણ ઓનલાઈન છે. જંત્રીના આધારે સોફ્ટવેર દ્વારા જ સચોટ ગણતરી થાય છે, જે પારદર્શિતા અને ઝડપ સુનિશ્ચિત કરે છે.
આધુનિક ડિજિટાઈઝ્ડ રેકોર્ડ રૂમ
અમદાવાદ કલેક્ટર કચેરીએ 1950થી અત્યાર સુધીના હજારો જૂના દસ્તાવેજો અને નકશાઓને હાઈ-રિઝોલ્યુશનમાં સ્કેન કરી ડિજિટલ આર્કાઈવ તૈયાર કરાયું છે. આ આધુનિક રેકોર્ડ રૂમ જમીન વિવાદોના ઝડપી નિકાલમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.
ઓનલાઈન બોજા મુક્તિ અને બેંક લિંકેજ
ખેતીની લોન ભરાઈ ગયા બાદ જમીન પરથી બેંકનો બોજો દૂર કરવાની પ્રક્રિયા હવે ઓનલાઈન છે. બેંકો સાથેના ડિજિટલ સંકલન (Digital integration) થી ખેડૂતોએ હવે બોજો દૂર કરવા કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી.
ઔદ્યોગિક અને શહેરી વિકાસ (સાણંદ અને ધોલેરા)
સાણંદ જેવા ઔદ્યોગિક હબમાં ઉદ્યોગોને જરૂરી જમીન પરવાનગીઓ રેકોર્ડ સમયમાં આપવામાં આવી છે. સાણંદ મોટર સિટી તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ત્યાં ‘બિન-ખેતી’ (NA) અને ‘પ્રીમિયમ’ની પ્રક્રિયાને વેગ આપવા માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા. અગાઉ જ્યાં મહિનાઓ લાગતા હતા, ત્યાં હવે i-ORA પોર્ટલના માધ્યમથી અમદાવાદ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટેની પરવાનગીઓ ખૂબ જ ઝડપથી પૂરી પાડવામાં આવે છે.
દેશના પ્રથમ સ્માર્ટ સિટી ‘ધોલેરા’ માં જમીન સંપાદનની પ્રક્રિયામાં કોઈ વિવાદ ન થાય તે માટે GIS (Geographic Information System) મેપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેડૂતોને વળતરની ચુકવણી સીધી જ તેમના બેંક ખાતામાં (DBT) જમા કરાવવામાં આવી, જે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
જમીન સંપાદન અને વળતરનું સરળીકરણ
બુલેટ ટ્રેન અને રિંગ રોડ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં ‘ડાયરેક્ટ પર્ચેઝ’ પદ્ધતિ અપનાવીને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી, વળતરની રકમ સીધી જ તેમના ખાતામાં (DBT) જમા કરાવીને અમદાવાદ જિલ્લાએ વહીવટી કુશળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અટલજીની 100મી જન્મજયંતીએ અમદાવાદ જિલ્લાનો આ ‘સુશાસન પથ’ સાબિત કરે છે કે ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડી શકાય છે. આ સુધારાઓ અટલજીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત કદમ છે.
