Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે મનરેગા (MGNREGA)યોજનામાં થયેલા ગંભીર ભ્રષ્ટાચારનો કેસ સામે આવતા સ્થાનિક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2010 દરમિયાન મનરેગા (MGNREGA) યોજનાના અમલમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગતો બહાર આવતા ફરેણી ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ સવિતા રાબડીયા અને તલાટી મંત્રી એમ.વી. વેકરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જે બાદ હવે સમગ્ર પ્રકરણની કાયદેસર તપાસ શરૂ કરવામાં આવી છે.
મનરેગા (MGNREGA) યોજનામાં ગેરરીતિઓનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, વર્ષ 2010માં ફરેણી ગામે મનરેગા (MGNREGA) યોજના હેઠળ ચાલતા વિવિધ વિકાસ કાર્યો દરમિયાન ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના (Grampanchayat)સરપંચ અને તલાટી મંત્રીએ મળીને પોતાના કાર્યકાળ દરમિયાન શ્રમિકોની હાજરીમાં હેરાફેરી કરી અને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
પોસ્ટ ઓફિસ ખાતામાંથી નાણા ઉપાડી લીધા
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મનરેગા (MGNREGA) યોજના હેઠળ શ્રમિકોના નામે પોસ્ટ ઓફિસમાં જમા થયેલા નાણાં આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે ઉપાડી લેવામાં આવ્યા હતા. શ્રમિકોના ખાતામાં જમા થયેલી રકમ તેમની જાણ વગર ઉપાડી લેવામાં આવી હોવાની ગંભીર વિગતો ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.
વર્ષ 2010 દરમિયાન અંદરો અંદર મેળાપપણાં કરીને
એક જ શ્રમિકની એકથી વધુ કામોમાં હાજરી બતાવવામાં આવી
મસ્ટર રોલમાં ખોટી એન્ટ્રીઓ કરવામાં આવી
શ્રમિકોના નામે જમા થયેલા નાણાં ઉપાડી લેવામાં આવ્યા
આ તમામ બાબતો સરકાર સાથે છેતરપિંડી સમાન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સરપંચ સહિત ચાર લોકો સામે ફરિયાદ
આ સમગ્ર મામલે ફરિયાદી તરીકે આર.આર. કામરીયા, જે ધોરાજી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અધિકારી છે, તેમણે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
સવિતા બેન રાબડીયા તત્કાલીન સરપંચ, એમ.વી. વેકરીયા તલાટી મંત્રી, રોહિત સરધારા હાજરી પૂરનાર, જગદીશ રાબડીયા મસ્ટર રોલમાં હાજરી નોંધનારના નામો ફરિયાદમાં સામેલ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ તમામ લોકોએ પોતાના અંગત લાભ માટે સરકારી યોજનામાં ગુનાહિત પ્રવૃત્તિ આચરી હતી.
ધોરાજી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ
ફરિયાદ નોંધાતાની સાથે જ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા સંબંધિત દસ્તાવેજો, મસ્ટર રોલ, પોસ્ટ ઓફિસ ખાતાની વિગતો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
તંત્ર પર સવાલ, મનરેગાની વિશ્વસનીયતા દાવ પર
આ ઘટના બાદ મનરેગા (MGNREGA) જેવી મહત્વની સરકારી યોજનાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે. ગરીબ શ્રમિકોને રોજગાર આપવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી યોજનામાં જો સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર થાય, તો તેનો સીધો ફટકો ગરીબ વર્ગ પર પડે છે. ફરેણી ગામની આ ઘટના એ ચેતવણીરૂપ છે કે મનરેગા જેવી યોજનાઓ પર સતત દેખરેખ અને પારદર્શિતા જરૂરી છે.
આ પણ વાંચો: મનરેગા યોજનામાં મંજુરી માટે લાંચ લેતા આહવા ડાંગની મહિલા ગ્રામ રોજગાર સેવક તેના પતિ સાથે ઝડપાઈ
આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં સામે આવ્યું વધુ એક મનરેગા કૌભાંડ, ભાજપ નેતા પર લાગ્યો ગંભીર આરોપ
આ પણ વાંચો:ખેરાલુમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ: 7-8 કરોડની ગેરરીતિઓએ ખળભળાટ મચાવ્યો

