Dang News : મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલીંગના કામકાજ માટે વહીવટી મુંજુરીની કાર્યવાહી માટે આહવા ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત, મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક(કરાર આધારિત) અનસુયાબેન હેમંતબાઈ પટેલ અને તેમના પતિ હેમંત વિનુભાઈ પટેલ રૂ.32,800ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયા હતા.
આ કેસની વિગત મુજબ ફરીયાદીએ તેમના ગામના ચાર અરજદારોની મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલીંગના કામકાજ માટે ફાઇલ તૈયાર કરી હતી. બાદમાં વહિવટી મંજુરી માટે સુબીર તાલુકા પંચાયત કચેરી મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક અનસુયાબેન હેમંતભાઈ પટેલને મળ્યા હતા. તેઓએ વહિવટી મંજુરી માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે એક અરજદારના રૂ.8,200 લેખે ચાર અરજદારોના મળી કુલ્લે રૂ.32,800ની રિસ્વત ની માંગણી કરી હતી.
જે રિસ્વત ની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરીયાદ આધારે સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઇ ગામીતની દુકાન પાસે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. તે રિસ્વત ના છટકા દરમ્યાન ફરીયાદી આરોપી નં.(૧) ને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી અનસુયાબેને લાંચના રૂ.32,800 તેમના પતિ હેમંત વી.પટેલને આપવા જણાવી જે રિસ્વત ની રકમ આરોપી હેમંત પટેલે સ્વીકારી, બંન્ને આરોપીઓ પકડાઇ ગયા હતા.
