Rajkot News : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે(14 જૂન.2025) રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધારોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ શિક્ષણકાર્ય બંધ રાખ્યું હતું.
બીજા દિવસે હિતુ કનોડિયા, મોના થીબા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા તથા અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલે અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી. આ પહેલાં શુક્રવારે PM-CM સહિતના નેતાઓએ વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
બહુ મોટો આઘાત લાગ્યો છે: ખડગેએ વીડિયો કોલ કરી અંજલિબેનને સાંત્વના આપી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિજય રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે વીડિયો કોલથી વાત કરી સાંત્વના આપી હતી. તેમણે અંજલિબેનને કહ્યું કે, અમે ખૂબ જ દુઃખી છીએ. બહુ મોટો આઘાત લાગ્યો છે. એક સારા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું, ધીરજ રાખો. અમે તમારા દુઃખમાં સાથે છીએ. આ દુર્ઘટના કોઈના હાથમાં નહોતી. બાળકોની સંભાળ રાખજો.
રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી
તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
પિતા પહેલા પુત્ર જતો રહે ત્યારે જે અનુભવાય એવું અનુભવું છું:શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, વિજયભાઈ અંગે સાંભળીને દુઃખ થયું. વિજયભાઈના લગ્નનો સાક્ષી રહ્યો છું. તે સમયે એબીવીપીમાં વિજયભાઈ વિસ્તારક હતા. મુખ્યમંત્રી બન્યા તે સમયે પણ મળતો હતો. પિતા પહેલા પુત્ર જતો રહે ત્યારે જે અહેસાસ થાય એવો અહેસાસ થઈ રહ્યો છે.
ભાજપ અને ગુજરાતે એક મહાન વ્યક્તિ ગુમાવી: ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન, એક મહાન વ્યક્તિ ગુમાવી છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કરતા રહ્યા હતા અને કાયમ તેમનો સધિયારો મળતો રહ્યો છે. આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના.”
રાજકોટ ક્યારેય વિજયભાઈને નહીં ભૂલી શકે: વ્હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસો.ના પ્રમુખ
રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, એવો નેતા ગુમાવ્યો છે કે એની ખોટ કદી નહી પુરી શકાય. વિજયભાઈએ જે રાજકોટને અનેક મહત્વની સુવિધાઓ આપી છે. જેમાં એઇમ્સ, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ આપ્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં ઓવરબ્રિજો, અંડરબ્રિજો, રસ્તાઓના કામો છે. પાણીની પાઈપલાઈન જે નર્મદાથી રાજકોટની પાણી હાલની તકે મળી રહ્યું છે એ પણ વિજયભાઈનાં યોગદાન થકી છે. રાજકોટને અમદાવાદ સુધીનો જે સિક્સ લાઈન પ્રોજેક્ટ મળ્યો છે તે વિજયભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જે પણ રાજકોટનાં વિકાસમાં મહત્વનો ફાળો આપતો હોવાથી રાજકોટવાસીઓ ક્યારેય વિજયભાઈને ભૂલી શકશે નહીં.
આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા
