Surat Passport Office Bomb Threat: હીરાનગરી સુરતમાં ફરી એકવાર બોમ્બની ધમકીથી ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને આજે સોમવારે, 2 માર્ચના રોજ ફરી એકવાર ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ત્રણ દિવસ પહેલા જ આવી જ ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે.
ઈમેઈલ આવતા જ મચી નાસભાગ
આજે સવારે જ્યારે પાસપોર્ટ ઓફિસમાં કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક બોમ્બ હોવાનો ધમકીભર્યો મેઈલ મળતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ તેમજ પાસપોર્ટ માટે આવેલા અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં ઉમરા પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને કચેરીના ખૂણેખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Surat : ત્રણ દિવસમાં બીજી વખત ધમકીથી સવાલો
નોંધનીય છે કે, અગાઉ 27 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ પણ સુરતની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને આ જ પ્રકારે ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે રાજ્યની તમામ પાસપોર્ટ કચેરીઓને હાઈ-એલર્ટ કરી દેવામાં આવી હતી. જોકે, અગાઉની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ આજે ફરી મળેલી ધમકીએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને તંત્રને દોડતું કરી દીધું છે.

કોણ છે આ મેઈલ મોકલનાર?
વારંવાર એક જ પ્રકારની ધમકી મળતા પોલીસ હવે આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સુરત પોલીસની સાયબર ક્રાઈમ ટીમ દ્વારા આ ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને તેની પાછળ કયા આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ થયો છે, તેની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈની માત્ર ખોટી મજાક (Hoax Call) છે કે પછી તેની પાછળ કોઈ મોટું કાવતરું છુપાયેલું છે, તે દિશામાં પણ ખુફિયા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે જેથી સત્ય બહાર લાવી શકાય.
