Pakistan Stock Exchange Crash: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ ડામાડોળ હતી, તેમાં આજે સોમવારે શેરબજારમાં આવેલા ભયાનક કડાકાએ કમર તોડી નાખી છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ KSE-30 માર્કેટ ખુલતાની સાથે જ 09.6% સુધી તૂટી પડ્યો હતો. સ્થિતિ એટલી ગંભીર હતી કે એક્સચેન્જે ૪૫ મિનિટ સુધી ટ્રેડિંગ બંધ રાખવાની ફરજ પડી હતી.
ઇતિહાસનો સૌથી મોટો કડાકો: 5000 પોઈન્ટ સાફ
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન KSE-30 ઇન્ડેક્સ લગભગ 5000 પોઈન્ટ ગગડીને 46,351 ના સ્તરે પહોંચી ગયો હતો. પાકિસ્તાની શેરબજારના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે. ટ્રેડિંગ ફરી શરૂ થયા બાદ પણ બજારમાં કોઈ રિકવરી જોવા મળી ન હતી અને ઇન્ડેક્સ ૯% થી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

કેમ પાકિસ્તાની બજારમાં તબાહી મચી?
મિડલ ઇસ્ટમાં વધતા જતા તણાવ અને અમેરિકા તેમજ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાને કારણે અત્યારે સમગ્ર એશિયાના બજારો ભારે દબાણ હેઠળ છે, જેની સીધી અને નકારાત્મક અસર પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ પડી છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન સાથેના સરહદી વિવાદે પણ પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, જ્યાં પાકિસ્તાને ‘ઓપરેશન ગઝબ લિલ હક’ હેઠળ જવાબી સૈન્ય કાર્યવાહી શરૂ કરતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસ્થિરતાની વચ્ચે કરાચીમાં અમેરિકી દૂતાવાસ બહાર ઈરાન સમર્થકો અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 10 લોકોના મોત થયા છે, જેને કારણે રોકાણકારોનો ભરોસો સંપૂર્ણપણે તૂટી ગયો છે અને બજારમાં હાહાકાર મચી ગયો છે.
ભારત સહિત દુનિયાભરના બજારો લાલચોળ
માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના વધતા તણાવને કારણે વિશ્વભરના શેરબજારોમાં અત્યારે હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક અસ્થિરતાથી બચી શક્યું નથી અને બપોર સુધીમાં તે 1.5% ના મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. આ જ રીતે એશિયન બજારોમાં સરેરાશ 1.3% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે યુરોપના મુખ્ય ઇન્ડેક્સ DAX અને FTSE માં પણ 1.4% સુધીનો કડાકો જોવા મળ્યો છે, જે રોકાણકારોમાં ફેલાયેલા ડર અને ચિંતાનો સંકેત આપે છે.
નિષ્ણાતો શું કહે છે?
માર્કેટ એક્સપર્ટ્સના મતે, આ માત્ર સામાન્ય સુધારો (Correction) નથી પણ મોટી વેચવાલી છે. જો બજાર 41,000નું સપોર્ટ લેવલ તોડશે, તો ઇન્ડેક્સ સીધો 33,000 સુધી જઈ શકે છે. પાકિસ્તાન અત્યારે ભૂ-રાજકીય તણાવ અને આંતરિક અસ્થિરતાના બેવડા માર હેઠળ છે.
આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા
આ પણ વાંચો: યુદ્ધકાળમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરી: ભારતીય સેનાની તીખી કાર્યવાહી
આ પણ વાંચો: ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન અને POKમાં 22 લોકો કેમ માર્યા ગયા? 100 થી વધુ ઘાયલ…
