Vadodara News/ વડોદરામાં MS યુનિ.ની વિદ્યાર્થિનીઓને બાઈક ચાલકે ફંગોળી, માતાની વેદના: “એને જેલમાં નાખો”

MS University Student Accident: વડોદરાના દાંડિયા બજારમાં પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે MS યુનિ.ની ૩ વિદ્યાર્થિનીઓને ટક્કર મારી. CCTV ફૂટેજ વાયરલ. એકની હાલત ગંભીર.

Top Stories Gujarat Vadodara
Vadodara Hit and Run CCTV

Vadodara Hit and Run CCTV: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એક વખત રફતારના રાક્ષસોનો આતંક જોવા મળ્યો છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી એમ.એસ. યુનિવર્સિટી (MSU) ની ત્રણ વિદ્યાર્થિનીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઋષિકા રાણા નામની વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જે જોઈને કાળજું કંપી જાય તેમ છે.

શું હતી ઘટના? (CCTV માં કેદ અકસ્માત)

વડોદરાની MS યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓ એક જ સ્કૂટર પર સવાર થઈને ટ્યુશન જઈ રહી હતી, ત્યારે દાંડિયા બજાર લકડીપુલ પાસે યમદૂત બનીને આવેલા એક બાઈક ચાલકે તેમને જોરદાર અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂટર પર પાછળ બેઠેલી વિદ્યાર્થિનીઓ હવામાં ફંગોળાઈને સીધી રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલકે માનવતા નેવે મૂકીને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો, જેને પગલે આ હિટ એન્ડ રનની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે.

Vadodara Hit and Run CCTV

“મારી દીકરીની ફ્રેન્ડના પગ પરથી રિક્ષા ફરી વળી”

ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીની માતાએ મીડિયા સામે પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, “મને ફોન આવ્યો કે તમારી દીકરીનો અકસ્માત થયો છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો દીકરી પીડાથી કણસી રહી હતી. અકસ્માત બાદ મારી દીકરીની ફ્રેન્ડ રોડ પર પડી હતી ત્યારે એક રિક્ષા પણ તેના પગ પરથી ફરી વળી હતી.”

માતાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “આવા લોકોને પકડીને 6 મહિના કે વર્ષ માટે જેલમાં જ નાખી દેવા જોઈએ. 100ની સ્પીડે ગાડી ચલાવતા એને ભાન નથી પડતું? મારી દીકરી અત્યારે હોસ્પિટલમાં અસહ્ય પીડામાં બૂમો પાડી રહી છે.”

એકની હાલત ગંભીર, પોલીસ તપાસ શરૂ

ઘટના બાદ સ્થાનિકોએ તરત જ 108ને જાણ કરતા ત્રણેયને સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવી હતી. જેમાં ઋષિકા રાણાને પગમાં ફ્રેક્ચર અને અન્ય ગંભીર ઈજાઓ પહોંચી છે. રાવપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: તરસાલીમાં ડમ્પરની બેફામ ઝડપે લીધો એક્ટિવા સવાર યુવકનો જીવ

આ પણ વાંચો: વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો: વડોદરાના NH-48 પર ગમખ્વાર અકસ્માત, ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર સાથે અથડાતા યુવકનું મોત