Gandhinagar News/ રાજ્ય સરકારની સંકલિત નીતિઓ અને મજબૂત અમલીકરણ દ્વારા ‘ડિજિટલ ગુજરાત’નું અભૂતપૂર્વ નિર્માણ…

Digital Gujarat (ડિજિટલ ગુજરાત) નું નિર્માણ કરી પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક કેન્દ્રિત સેવા સુનિશ્ચિત કરવાનું વિઝન છે. આમ, રાજ્ય સરકારની સંકલિત નીતિઓ…

Gujarat Gandhinagar Trending
Digital Gujarat ,ડિજિટલ ગુજરાત, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, IT

Gandhinagar News: રાજ્ય સરકારની સંકલિત નીતિઓ અને મજબૂત અમલીકરણ દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ (Digital Gujarat)નું અભૂતપૂર્વ નિર્માણ થઇ રહ્યું છે.

નવીનતા, નીતિ અને નેટવર્ક થકી ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતું ‘ડિજિટલ ગુજરાત’ (Digital Gujarat)

આજના ડિજિટલ યુગમાં વિજ્ઞાન આધારિત વિચારસરણી, નવીનતા અને ટેક્નોલોજી સંચાલિત શાસન પ્રગતિના મુખ્ય સ્તંભ બન્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં એ રાજ્યની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બને છે, જ્યાં સંશોધન, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇ-ગવર્નન્સના સંકલન દ્વારા નાગરિકોને ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાત (Gujarat) આજે ડિજિટલ ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે.

•આઇ.ટી ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ રૂ.200 કરોડથી વધુ રકમની સહાય

સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા (Arjun Modhvadiya)ના માર્ગદર્શનમાં ગુજરાત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવવા માટે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી IT/ITeS નીતિ 2016-21 તથા 2022-27 રાજ્યને વિશ્વસ્તરીય આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ઉભરતી ટેક્નોલોજીનું અગ્રણી હબ બનાવવા માટેનું દ્રઢ પગલું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ રૂ. 200 કરોડથી વધુ રકમની સહાય આઇ.ટી ઔદ્યોગિક એકમોને ચૂકવવામાં આવી છે.

ડીપ ટેક, એઆઈ, ડેટા સેન્ટર અને સ્ટાર્ટઅપ માટેની વિશેષ જોગવાઈઓ સાથે આ નીતિ રાજ્યને ભવિષ્યની ટેક્નોલોજી માટે વૈશ્વિક ગંતવ્ય બનાવવાની દિશામાં આગળ ધપાવે છે. વર્ષ 2025માં જાહેર થયેલી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી દ્વારા વૈશ્વિક કંપનીઓના ઉચ્ચ મૂલ્યવાળા GCCને આકર્ષવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.

•ગ્રામપંચાયતોમાં 100 ટકા કનેક્ટિવિટી અને 95 ટકા કરતાં વધુ નેટવર્ક અપટાઇમ સાથે ગુજરાત અગ્રેસર

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયામાં Gujarat Fiber Grid Network Limited મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SPV મોડલ હેઠળ રાજ્યએ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ગ્રામપંચાયતો બાબતે 100 ટકા કનેક્ટિવિટી અને નેટવર્ક અપટાઇમ બાબતે 95 ટકા સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ભારતનેટ ફેઝ-2 અંતર્ગત 100 Mbps ઝડપ સાથે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત 321 જેટલી ડિજિટલ સેવાઓ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે, જેના લાભ થકી અંદાજે 9 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પોલીસ મથકો ડિજિટલ રીતે સક્ષમ બન્યા છે.

•ભારતનેટ ફેઝ-2 અંતર્ગત ગામડાઓ સુધી પહોંચી 321 જેટલી ડિજિટલ સેવાઓ

ગ્રામીણ સ્તરે ઈન્ટરનેટ સુલભ બનાવવા માટે Gujarat Internet Service Provider Limited દ્વારા “ગ્રામ્ય વાઇફાઇ પ્રોજેક્ટ” અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતનેટ ફેઝ-2 હેઠળનાં 22 જિલ્લાઓના 7,685 થી વધુ ગ્રામ પંચાયત કચેરીઓમાં વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગામડાનાં નાગરિકો દરરોજ 60 મિનિટ નિ:શુલ્ક ઈન્ટરનેટની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. આ પહેલ ગ્રામીણ નાગરિકોને ડિજિટલ સેવાઓ સાથે સીધી રીતે જોડે છે.

વધુમાં, દેશની પ્રથમ ભૂકંપ સંશોધન અને સલામતી ક્ષેત્રે Institute of Seismological Research ગાંધીનગર ખાતે અગ્રણી સંસ્થા તરીકે કાર્યરત છે. ISR ખાતે તાજેતરમાં ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે ‘એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ – 2026’ વિષય પર વૈશ્વિક પરિષદ યોજાઇ હતી. ગુજરાત રાજ્ય સિસ્મિક નેટવર્કની સ્થાપના અંતર્ગત, વર્ષ 2001 માં રાજ્યમાં એક ઓનલાઇન સિસ્મિક સ્ટેશન કાર્યરત હતું. હાલમાં કુલ 110 સિસ્મિક નેટવર્ક સ્ટેશનોની સ્થાપનાથી ભૂકંપની માહિતી મિનિટોમાં પ્રાપ્ત થવા લાગી છે. ગાંધીનગર, અમદાવાદ, અંજાર, ગાંધીધામ, ધોલેરા અને ગિફ્ટ સિટી-ગાંધીનગર જેવા શહેરો માટે સિસ્મિક માઇક્રોઝોનેશન અભ્યાસ પૂર્ણ થયા છે. આ સંસ્થા એ કેન્દ્ર સરકારના અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા સોંપાયેલા પ્રોજેક્ટ અંતર્ગત, અમૃતસર, આગ્રા,મેરઠ, લખનૌ, વારાણસી, કાનપુર, પટના અને ધનબાદ જેવા દેશના આઠ મુખ્ય શહેરો માટે માઇક્રોઝોનેશન અભ્યાસ પૂર્ણ કર્યા છે.

•રાજ્યમાં ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે કુલ 110 સિસ્મિક નેટવર્ક સ્ટેશનોની સ્થાપના

ISR થકી વૈજ્ઞાનિક સંશોધન દ્વારા લોથલ સંસ્કૃતિ અંગેના સંશોધનથી સમુદ્રસ્તર પરિવર્તનના ઐતિહાસિક પ્રભાવ અંગે મહત્વપૂર્ણ તારણો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત સરદાર સરોવર પ્રોજેક્ટ અને અન્ય વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભૂકંપ જોખમ મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ISR દ્વારા ખનિજ સંપત્તિ સર્વેક્ષણ, ભુગર્ભ જળની શોધ માટે ભુભૌતિક તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ડેમ સેફ્ટી પેનલ દ્વારા 30 મોટા ડેમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે 7 ડેમો પર ભૂકંપ માપક સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર માળખાનું મુખ્ય વિઝન ‘ડિજિટલ ગુજરાત’ નું નિર્માણ કરી પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક કેન્દ્રિત સેવા સુનિશ્ચિત કરવાનું છે. આમ, રાજ્ય સરકારની સંકલિત નીતિઓ અને મજબૂત અમલીકરણ દ્વારા ‘ડિજિટલ ગુજરાત’નું અભૂતપૂર્વ નિર્માણ થઇ રહ્યું છે.


આ પણ વાંચો: વસતી ગણતરી–2027 માટે ગુજરાત સજ્જ: ડિજિટલ સ્વ-ગણતરી, HLO-ફેઝ અને આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો: રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ