Surat News/ નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનો સવાલ, ‘હજી સુધી FIR કેમ નહીં?’: એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓએ કેમ ન માની વાત? ચીફ સેક્રેટરી પાસે જવાબ માગ્યો

Nasirnagar Demolition Case: નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે FIR નોંધવામાં વિલંબ અને એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે. ચીફ સેક્રેટરી પાસેથી સૂચનો મેળવી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Nasirnagar Demolition Case: નાસીરનગર કેસમાં હાઈકોર્ટના વેધક સવાલ, 4 ડિસેમ્બરે ફરી સુનાવણી

Surat News: નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા (Nasirnagar Demolition Case) છે. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓ મનમાની કેમ કરી રહ્યા છે અને હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? કોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી આ સમગ્ર મામલે સૂચનો મેળવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી 4 ડિસેમ્બરે હાથ ધરાશે.

Nasirnagar Demolition Case: ‘બે અધિકારીઓની કમિટી FIR અંગે નિર્ણય ન લઈ શકે’

નાસીરનગર ડિમોલિશનની મુખ્ય અરજી પર હાઈકોર્ટ (Gujarat High Court)ના સિંગલ જજ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. આગામી 7થી 10 દિવસમાં રિપોર્ટ આવી જશે.

આ જવાબના પગલે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? શું બે અધિકારીઓની કમિટી નક્કી કરી શકે કે FIR નોંધવી કે નહીં?

એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓએ કેમ ન માની વાત?

સિંગલ જજે જણાવ્યું હતું કે અગાઉના હુકમ પર સ્ટે મૂકવામાં આવ્યો છે તે સમજાય છે, પરંતુ રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી એડવોકેટ જનરલે (Advocate General) કોર્ટને ખાતરી આપી હતી. તેમ છતાં અધિકારીઓ તેમની સલાહ ન માને તેવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ?

કોર્ટે સવાલ કર્યો હતો કે શું રાજ્યના અધિકારીઓ એવું કહી શકે કે એડવોકેટ જનરલ તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમની વાત સાથે સહમત નથી? એડવોકેટ જનરલની સલાહ વિરુદ્ધ કામ કરનારા અધિકારીઓ સામે શું પગલાં લેવાશે?

ચીફ સેક્રેટરી પાસેથી સૂચનો મેળવી જવાબ રજૂ કરવા આદેશ

હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્યના ચીફ સેક્રેટરીએ આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે શું રાજ્ય SMC (Surat Municipal Corporation)ના એ વલણ સાથે સહમત છે કે ડિમોલિશન ગેરકાયદેસર રીતે થયું હોવા છતાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે?

શું રાજ્યની પણ આવી કોઈ નીતિ છે? આ મામલે સર્વોચ્ચ સ્તરેથી સૂચનો મેળવી જવાબ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે. નોંધનીય છે કે એડવોકેટ જનરલ અગાઉ આ કેસમાંથી સ્વેચ્છાએ ખસી ગયા હતા.

27 નવેમ્બરની સુનાવણી પહેલાં ડિવિઝન બેન્ચે આપ્યો હતો સ્ટે

નાસીરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોને મકાન આપવાના મુદ્દે SMCએ પોતાનું વલણ બદલ્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને સિંગલ જજે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બીજી વખત 27 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

આ બંને અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે પણ જવાબ માગવામાં આવ્યો હતો. જોકે, સિંગલ જજના આદેશ સામે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી.

26 નવેમ્બરે ડિવિઝન બેન્ચ સમક્ષ લગભગ પોણા ચાર કલાક સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ સિંગલ જજના અગાઉના હુકમ સામે સ્ટે આપવામાં આવ્યો હતો. પરિણામે 27 નવેમ્બરે યોજાનારી સુનાવણીમાં કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હાજર રહેવાની જરૂર રહી નહોતી.

હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટની આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે.


આ પણ વાંચો: અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર! હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસની નોટિસ ફરજિયાત

આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર

આ પણ વાંચો: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશનથી હોબાળો