Gujarat News/ અમદાવાદમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ: શહેર જળબંબાકાર, રાજ્યના 11 જિલ્લામાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા

Gujarat Top Stories Others
અમદાવાદ (Ahmedabad)શહેરમાં ગુરુવારે સવારે માત્ર બે કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ (Heavy Rain) વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

Gujarat rain News Live : અમદાવાદ (Ahmedabad)શહેરમાં ગુરુવારે સવારે માત્ર બે કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ (Heavy Rain) વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે અનેક અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, બોપલ, પ્રહલાદનગર, ગોતા, ચાંદખેડા, સરખેજ, મકરબા સહિતના વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ (SG Highway Traffic Jam)સર્જાયો હતો. વરસાદી પાણીના નિકાલમાં થયેલી વિલંબિત કામગીરીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સામે પણ સવાલો ઉભા થયા છે.

દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ભારે પૂર આવ્યું

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં નદીઓમાં ભારે પૂર આવ્યું છે. નાનાપોઢાના ડહેલી ગામ સહિત નીચાણવાળા વિસ્તારોના 10થી વધુ ઘરોમાં પાણી ઘૂસતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ઘરો પૂરનાં પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયા હતા. સ્થાનિક યુવાનો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડી જરૂરી મદદ કરવામાં આવી હતી.

નવસારીમાં 200 લોકોનું રેસ્ક્યુ કરાયું

અંબિકા-પૂર્ણા-કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે ચીખલી કાવેરી પટમાં 200 લોકો ફસાયા હતા. જેમાં એસડીઆરએફ દ્વારા 200 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું
ભારે વરસાદથી નવસારીમાં સ્થિતિ વિકટ બની છે.

વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. હાલમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત છે. નવી દિલ્હીથી વધુ 2 NDRF ટીમો તેમજ આર્મીના 70 જવાનોની ટીમ પણ પહોંચશે. ઉપરાંત 5 બોટ અને ફાયર વિભાગની ટીમોને પણ કામગીરીમાં જોડવામાં આવી છે. વહીવટી તંત્ર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રાહત પહોંચાડવા સતત કામગીરી કરી રહ્યું છે.

બનાસકાંઠામાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી 

ડીસા, ધાનેરા સહિત ગ્રામ્યમાં  વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતો  કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વાપીમાં સ્કૂલ બસ પણ પાણીમાં ફસાઈ

વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જી છે. 17 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સલવાવ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ પરિસરમાં 7થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર તળાવમાં ફેરવાયો હતો. સ્કૂલ બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

સુરતમાં ખાડકૂવામાં પડેલા યુવકનો બચાવ

આઝાદ ફળિયામાં ખાડકૂવામાં પડેલા યુવકનો મોટા વરાછા ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યો. ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળે પહોંચી અને અપૂર્વ પટેલને સહીસલામત બહાર કાઢ્યો. સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી.

વડોદરા: ભારે વરસાદની આગાહીએ તંત્ર એલર્ટ

ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા એલર્ટ મોડમાં આવી છે. મેયરે આજે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સમીક્ષા કરી નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અને તૈયારીઓની માહિતી મેળવી. જળભરાવ અટકાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ફાયર ટીમો અને કંટ્રોલ રૂમને 24 કલાક સક્રિય રાખવામાં આવ્યા છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

આણંદમાં મુશળધાર વરસાદ

આણંદ જિલ્લામાં ગુરુવારે માત્ર ચાર કલાકમાં જ મુશળધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. તારાપુરમાં ચાર કલાકમાં 5.36 ઈંચ અને માત્ર બે કલાકમાં 86 મીમી વરસાદ નોંધાયો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.

સોજીત્રામાં 4 ઈંચ, પેટલાદમાં 3.69 ઈંચ અને ખંભાતમાં 3 ઈંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

સુરતના ચારોલી રોડ પર કમર સુધી પાણી ભરાયા

 ભારે વરસાદને કારણે ચારોલી રોડ પર કમર સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. બારડોલી-કડોદરા માર્ગ પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પાણીમાં અનેક વાહનો અટવાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે પલસાણા અને હાઈવે તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં  કુલ 15 BRTS સ્ટેશન અને કોરિડોર પર વરસાદી પાણી ભરાયા હોવાનું નોંધાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સવારે અંદાજે 11:50 વાગ્યા સુધીના અહેવાલ મુજબ, શહેરના કુલ 15 BRTS સ્ટેશન અને કોરિડોર પર વરસાદી પાણી ભરાયા હોવાનું નોંધાયું છે.

પાણી ભરાયેલા વિસ્તારોમાં મધ્ય ઝોનના હનુમાનપુરા BRTS, સાહિબાગ અને અખબારનગર અંડરપાસ, તેમજ જુના વાડજ BRTSનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાં મેમનગર BRTSથી જયમંગલદાસ BRTS સુધીનો માર્ગ, માણેકબાગ BRTS અને પાર્શ્વનાથ જૈન મંદિર નજીકનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયા છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કર્ણાવતી ક્લબ BRTS અને સરખેજ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં સ્વામીનારાયણ કોલેજ BRTS, છિપા સોસાયટી BRTS અને મુકેશ ઇન્ડસ્ટ્રીયલ BRTS આસપાસ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી એપ્રોચ BRTS અને ઉત્તર ઝોનના અરવિંદ મિલ BRTS વિસ્તારમાં પણ પાણી ભરાવાની અસર નોંધાઈ છે.

નવસારીમાં 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો રહેશે બંધ

નવસારીમાં ભારે વરસાદને પગલે 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આમ ભારે વરસાદની સ્થિતિને લઈ રજા જાહેર કરવામાં આવી છે.

સુરત ઓલપાડના કુડસદ ગામે પાણીમાં કાર તણાઈ

સુરતના ઓલપાડના કુડસદ ગામે પાણીમાં કાર તણાઈ હતી. પાણીમાંથી કાર પસાર કરવા જતાં ફસાઈ ગઈ હતી. બાદમાં ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. જ્યારે કુડસદની સ્થાનિક ખાડીમાં ઘોડાપુર આવ્યુંછે.

રાજ્યના 11 જિલ્લામાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે. હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, પાટણ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન અતિભારે વરસાદ વરસી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા હોવાથી લોકોને સતત હવામાન વિભાગની આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર એકસાથે ચાર હવામાની સિસ્ટમો સક્રિય હોવાથી વરસાદનું જોર વધ્યું છે. તેના કારણે દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વીજળીના કડાકા, તેજ પવન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે લોકોને જરૂરી ન હોય તો વરસાદ દરમિયાન બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે

સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં ઉભી થયેલ સ્થિતિની તલ સ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.તેમણે વલસાડ જિલ્લા ની સ્થિતિ અંગે મંત્રી  નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલ થી વાત કરી બચાવ રાહત ની વિગતો મેળવી જરૂર પડે એન ડી આર એફ ની વધારા ની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.

સુરત અને નવસારી કલેકટર સાથે પણ વાત કરી ને નીચાણ વાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના કરી છે.
મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગોની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

વાસણા બેરેજમાંથી હજારો ક્યુસેક પાણી છોડાયું

સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજ (Vasna Barrage)ના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અંદાજે 29,461 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે 29,200 ક્યુસેક પાણીનો સતત પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે, બોપલ, શેલા, પ્રહલાદનગર, થલતેજ, બોડકદેવ, ગોતા, ચાંદખેડા, સરખેજ, મકરબા, હરણ સર્કલ, ગુલાબ ટાવર ચાર રસ્તા અને ભીમજીપુરા જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા અને કેટલીક જગ્યાએ ગળાસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શેલા ક્લબ O7 રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. VIP રોડ પર લાંબી ટ્રાફિક કતારો જોવા મળી હતી અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

એસ.જી. હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ

ભારે વરસાદના કારણે એસ.જી. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફ જતો માર્ગ સંપૂર્ણપણે ધીમો પડી ગયો હતો. સવારે 9 વાગ્યાથી ઇસ્કોન બ્રિજ, કર્ણાવતી ક્લબ વિસ્તાર તેમજ વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઓફિસ અને વ્યવસાય માટે નીકળેલા હજારો લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.

15 જેટલા માર્ગો ટાળવા AMCની અપીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને લગભગ 15 જેટલા રસ્તાઓ પર હાલ અવરજવર ટાળવાની અપીલ કરી છે. જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સાત અંડરપાસ વાહનચાલકો માટે બંધ

શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં સુરક્ષાના ભાગરૂપે સાત જેટલા અંડરપાસ વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ (Underpass Closed)કરવામાં આવ્યા છે. ચેનપુર અંડરપાસ સહિત અનેક સ્થળોએ વાહનો બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રહલાદનગર અને ગુલાબ ટાવર વિસ્તારમાં બેટ જેવી સ્થિતિ

પ્રહલાદનગર ગાર્ડનથી જોધપુર તરફ જતો માર્ગ વરસાદી પાણીથી છલકાઈ ગયો હતો. રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. બીજી તરફ ગુલાબ ટાવર ચાર રસ્તા પર પણ ભારે પાણી ભરાતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમય સુધી તંત્રનો કોઈ સ્ટાફ હાજર જોવા મળ્યો નહોતો.

હરણ સર્કલ અને ભીમજીપુરામાં લોકો પરેશાન

હરણ સર્કલ પાસે રસ્તા પર એટલું પાણી ભરાયું કે કાર અને બાઈકના ટાયર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા હતા. ભીમજીપુરામાં ઘૂંટણસમા પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

શાળાઓના સમયમાં ફેરફાર, વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે.

જો કોઈ વિદ્યાર્થીઓ નદી નાળા પાર કરીને આવતા જતા હોય તો વિદ્યાર્થી કે વાલીને ફોન કરી યોગ્ય જાણ કરશો.

શક્ય હોય તો વાલીને જાણ કરી વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે જણાવશો.

શાળામાં ક્યાંય ખુલ્લા વાયર ન હોય તેની ચકાસણી કરશો.

વિદ્યાર્થીઓને શાળામાં ઈલેક્ટ્રોનિક ગેઝેટથી દૂર રાખશો.

જે શાળામાં બસની સુવિધા છે તે આચાર્યશ્રી ડ્રાઈવરને ખાસ સૂચના આપશો કે નદી કે નાળા પરથી પાણી પસાર થતું હોય તો બસ પસાર ન કરવી.

શાળામાં પાણી ભરાય તો તાત્કાલિક નિકાલ થાય તેવી વ્યવસ્થા કરશો.

જો કોઈ ઘટના બને તો તુરંત કચેરીને જાણ કરશો.

AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો

પ્રથમ જ ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા AMCની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક મુખ્ય માર્ગો પર પાણીના નિકાલ માટે જવાબદાર ટીમો સમયસર ન પહોંચતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ વરસાદી પાણીના ઝડપી નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારા કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો : ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

આ પણ વાંચો : ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવા પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ