Valsad News : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ આજે ફરી એકવાર તબાહી મચાવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ (Rain) નોંધાતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી (Rain Alert)કરવામાં આવી હતી અને તે આગાહી આજે પણ સાચી સાબિત થઈ છે. ઉમરગામ ઉપરાંત વલસાડ જિલ્લાના પારડી, કપરાડા, ધરમપુર અને નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
ટોપ વરસાદ ધરાવતા વિસ્તારો

આજે સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન ઉમરગામમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ (Rain)નોંધાયો હતો. ત્યારબાદ સુરતના ઉમરપાડામાં 4.41 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, નવસારીના વાંસદામાં 3.66 ઇંચ અને વલસાડ શહેરમાં 3.35 ઇંચ વરસાદ નોંધાયો હતો. નાનાપોંઢા, કપરાડા, વધઈ અને નાંદોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
24 કલાકમાં રેકોર્ડ વરસાદ

છેલ્લા 24 કલાકના આંકડા મુજબ ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ (Umargam Rain)નોંધાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ અને પારડીમાં 17.64 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે અને કેટલાક નાના પુલ તેમજ કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
IMDનું એલર્ટ યથાવત
હવામાન વિભાગે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી (Rain Alert)જારી રાખી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડમાં
વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી સહિતની અનેક નદીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. કેટલાક વિસ્તારોમાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવા પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ
આ પણ વાંચો : વલસાડમાં 18.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું, 284 રસ્તા બંધ, 200થી વધુ લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો : વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં ફસાયા 3 મજૂરો, NDRFએ બચાવ્યા જીવ
