Gujarat News : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે (Rain)જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કપરાડામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડમાં 11 ઇંચ અને ચીખલી તેમજ વાંસદામાં 10-10 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યું છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાત (South Gujarat)સૌથી વધુ પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
સુરતમાં પાણીનો કહેર, ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસતા ભેદવાડ ખાડીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે. ભીમરાડ, બમરોલી, વેસુ, ઉધના-સચિન રોડ અને VIP રોડ સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન જાતે સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
NDRF અને SDRFની વધારાની ટીમો તૈનાત

સુરતમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અગાઉથી તૈનાત ટીમો ઉપરાંત વધારાની ટીમો પણ મંગાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ સહિતની તમામ બચાવ એજન્સીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી શકાય.
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, 132 રસ્તાઓ બંધ

નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે પૂર્ણા અને કાવેરી નદીઓના જળસ્તરમાં ભારે વધારો થયો છે. બીલીમોરા, જલાલપોર, ચીખલી અને વાંસદા સહિતના વિસ્તારોમાં અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લાના કુલ 132 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટથી વધુ પહોંચતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
વલસાડમાં 284 રસ્તાઓ બંધ, અનેક રેસ્ક્યૂ ઓપરેશન

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ (Valsad Heavy Rain,)ને કારણે કુલ 284 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નાના પોંડા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ખાનગી બસના 16 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધરમપુરમાં પણ પૂરના પાણીમાં કાર તણાઈ જતાં ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઓરંગા નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને કાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કોઝવે પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ પડ્યો ભારે
વાંસદા તાલુકામાં બોપી-મોળાઆંબા કોઝવે પરથી પસાર થતી એક ઈકો કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સદનસીબે કારમાં રહેલા વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તંત્રે લોકોને નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા કડક સૂચના આપી છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર (Red Alert)કર્યું છે. સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તંત્રની અપીલ
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળાઓ અને કોઝવેથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તમામ બચાવ દળો અને જિલ્લા પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
