Rajkot News: રાજકોટ શહેરમાં નવરાત્રીના ઉત્સવ વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે. નોર્થ ઝોન ખોડલધામ દાંડિયા મહોત્સવ દરમિયાન એક શખ્સે છરી ઉગામતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ રાજુભાઈ પરસાણાનો ભત્રીજો પણ સામેલ છે.
માહિતી અનુસાર, મૌલિક પરસાણા, અશોક ફળદુ અને હરિ સોરઠિયા સહિતના યુવાનોને છરી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનામાં સામેલ આરોપી મહેશગિરી ગૌસ્વામી હોવાનું બહાર આવ્યું છે, જે કોઈ અગ્રણી જવેલર્સનો ડ્રાઈવર હોવાનું કહેવાય છે.
આરોપીએ VIP એન્ટ્રી મારફતે ગરબામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આયોજકોએ તેને એકતરફ જવા માટે કહ્યું ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવી છરી કાઢી હુમલો કર્યો હતો. આચાનક થયેલા આ હુમલા પછી દાંડિયામાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો દોડાધોડી કરતા જોવા મળ્યા.
હાલ તમામ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સદભાગ્યે કોઈનું જીવલેણ નુકસાન થયું નથી.
દાંડિયા આયોજકોએ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા કર્મચારીઓની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો અને પોલીસને સોંપી દીધો. પોલીસ દ્વારા મહેશગિરી ગૌસ્વામી સામે ગુનો નોંધાઈ ગયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવરાત્રી દરમિયાન આ પ્રકારની ઘટનાઓને કારણે લોકોમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે. ખાસ કરીને VIP એન્ટ્રી દ્વારા હથિયાર સાથે પ્રવેશ કરવામાં આવ્યો તે મુદ્દે આયોજકોની સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે આરોપી છરી સાથે અંદર કેવી રીતે ઘૂસ્યો અને તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં.
આ ઘટના બાદ શહેરના લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નવરાત્રી ઉત્સવ ભક્તિ, સંગીત અને આનંદ માટે ઓળખાય છે, પરંતુ આવી ઘટનાઓ આ પવિત્ર તહેવારના માહોલને કલંકિત કરે છે. પોલીસે જાહેરમાં અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જો દેખાય તો તરત જ જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
આ પણ વાંચો:રાજકોટમાં યોજાયું સહકાર સંમેલન, અમિત શાહે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અપીલ કરી
આ પણ વાંચો:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
આ પણ વાંચો:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન

