Ahmedabad News : AMCની માલિકીની બે અગત્યની પ્રોપર્ટી કે જેમાં કાલુપુર શાક માર્કેટ અને ફૂલ બજારનો સમાવેશ થાય છે. તેની ફાઈલો ગૂમ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સંકલન બેઠકમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ AMC માં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહે ઉગ્ર રજૂઆત કરતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, AMC ની સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કાલુપુર શાક માર્કેટ અને ફૂલ બજારની ફાઇલો ગુમ હોવા અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, AMC જેવી મોટી સંસ્થામાં, જ્યાં કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે, ત્યાં આટલી મહત્ત્વની પ્રોપર્ટીની ફાઇલો કેવી રીતે ગુમ થઈ શકે?
ધારાસભ્યની આ રજૂઆત બાદ બેઠકમાં હાજર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ ગુમ થયેલી ફાઇલોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઘટનાને લઈને એવી આશંકા સેવાઈ રહી છે કે, આ ફાઇલો પાછળ કોઈ મોટા કૌભાંડ કે ગેરરીતિ છુપાયેલી હોઈ શકે છે. આ મામલે તંત્રની બેદરકારી અને વહીવટ પર પણ સવાલો ઉભા થયા છે.
એવું લાગી રહ્યું છે કે, “બાઉન્સરોના નાક નીચેથી બે ફાઈલો ગાયબ થઈ ગયા હોય તેમ AMC ના સત્તાધીશોની નજર હેઠળ જ આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થઈ ગયા છે. આ ઘટના બાદ AMC ની પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ મુકાયો છે. આ મામલે સઘન તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ
