Gandhinagar News/ સુરક્ષિત ગણાતું સચિવાલય વિવાદમાં, વાયરલ વીડિયોએ મચાવી ખળભળાટ

ગુજરાતનું સૌથી સુરક્ષિત ગણાતું ગાંધીનગર સચિવાલય હાલમાં એક વિવાદાસ્પદ રીલ વીડિયોને કારણે ચર્ચામાં છે. પોલીસની સરકારી ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા અને સરકારી સંસાધનોના ઉપયોગ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar

Gandhinagar: ગુજરાતનું સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સરકારી કેન્દ્ર ગણાતું ગાંધીનગર (Gandhinagar) સચિવાલય એક વિવાદાસ્પદ વીડિયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય નાગરિકોને જ્યાં પ્રવેશ માટે કડક સુરક્ષા તપાસ, ઓળખપત્ર અને ગેટપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, ત્યાં સરકારી પોલીસ વાહનમાં એક યુવતી દ્વારા મનોરંજન માટે બનાવેલી રીલ સામે આવતાં તંત્રની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઊભા થયા છે.

વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સચિવાલયના સંકુલમાં ઊભેલી પોલીસની બોલેરો જીપમાં એક યુવતી ફિલ્મી અંદાજમાં રીલ બનાવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં જ જનતા અને પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. લોકો પૂછવા લાગ્યા છે કે જ્યારે સામાન્ય લોકો માટે સચિવાલયમાં પ્રવેશ એટલો મુશ્કેલ છે, ત્યારે સરકારી વાહનમાં શૂટિંગ કેવી રીતે શક્ય બન્યું?

Gandhinagar
SP રવિ તેજા વાસમ શેટ્ટીએ  તપાસના આદેશ આપ્યા 

ગાંધીનગર (Gandhinagar) એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહન જૂના સચિવાલયના હોમગાર્ડ વિભાગનું છે અને વીડિયોમાં દેખાતો ડ્રાઇવર હોમગાર્ડ છે. પોલીસ કોન્સ્ટેબલનો સીધો સંડોવણી નથી, તેમ છતાં ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વીડિયોનું વેરિફિકેશન અને યુવતીની ઓળખ તપાસવામાં આવી રહી છે. એસપીના જણાવ્યા અનુસાર હાલ કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.

વાયરલ થયેલી યુવતીનું નામ બિંદિયા સોમપુરા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી યુવતીનું નામ બિંદિયા સોમપુરા હોવાનું અને તે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી સંસાધનોના ઉપયોગ અને જવાબદારીના મુદ્દે ચર્ચા શરૂ કરી છે. લોકો પૂછે છે કે શું સરકારી વાહનો અને સરકારી સંસ્થાઓ હવે રીલ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે?

પોલીસ વિભાગમાં પણ આ ઘટનાને લઈને ફફડાટ

પોલીસ વિભાગમાં પણ આ ઘટનાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારી સંસાધનો જ્યારે મનોરંજનનું સાધન બની જાય ત્યારે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા પર અસર પડે છે. સચિવાલય જેવા ઉચ્ચ સુરક્ષાવાળા સ્થળે આવી ઘટના થવી એ સુરક્ષા એજન્સીઓ માટે ચેતવણીરૂપ છે.

આ ઘટના માત્ર એક વાયરલ વીડિયો સુધી સીમિત નથી, પરંતુ વહીવટી તંત્રની વિશ્વસનીયતા અને શિસ્ત પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ઘેલછા વચ્ચે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાની મર્યાદા અને જવાબદારી સમજવી જરૂરી છે. નહિતર આવી ઘટનાઓથી પોલીસ અને સરકાર બંનેની છબી ખરડાઈ શકે છે.


આ પણ વાંચો:ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં,31 ફર્સ્ટની ઉજવણીને લઈને સઘન ચેકિંગ

આ પણ વાંચો:ગાંધીનગર પોલીસના હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા

આ પણ વાંચો:હુક્કાના શોખીનો સાવધાન, ગાંધીનગર પોલીસે હુક્કા પીતા પકડ્યા 15 ઈસમો