Gujarat News/ તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની ફરજો હવે અલગ! ગુજરાત સરકારે જાહેર કર્યો નવો જોબચાર્ટ

ગુજરાત સરકારે Talati Cum Mantriઅને મહેસૂલી તલાટીની ફરજો અને જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. પંચાયતની કામગીરી તલાટી કમ મંત્રી જ્યારે જમીન, મહેસૂલ, PM-KISAN અને પાક સંબંધિત કામગીરી મહેસૂલી તલાટી સંભાળશે.

Gujarat Top Stories
Talati Cum Mantri: તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની નવી ફરજો જાણો

Gujarat Talati News: ગુજરાત સરકારે ગ્રામ્ય વહીવટ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) અને મહેસૂલી તલાટીની ફરજો (Revenue Talati) અને જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. પંચાયત અને મહેસૂલ વિભાગ હેઠળની કામગીરી માટે બંને કેડરનો અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા અગાઉના સંબંધિત ઠરાવો રદ કરવામાં આવ્યા છે.

એક વ્યક્તિ પર કામનો બોજ ઘટાડવા નિર્ણય

પંચાયત વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં (Gujarat Government)  મહેસૂલી તલાટીઓની નિમણૂક થયા બાદ બંને કેડરની કામગીરી અલગ કરવાની (New Job Chart) રજૂઆતો લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. અગાઉ એક જ સ્તરે અનેક પ્રકારની પંચાયત અને મહેસૂલ સંબંધિત જવાબદારીઓ સંભાળવી પડતી હતી.

નવી વ્યવસ્થા હેઠળ જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે, જેથી એક જ કર્મચારી પર અનેક પ્રકારની 90થી 100 જેટલી કામગીરીનો બોજ રહેવાને બદલે બંને કેડર પોતાની નિર્ધારિત જવાબદારીઓ પર વધુ અસરકારક રીતે ધ્યાન આપી શકશે.

Talati Cum Mantri હવે પંચાયતની કામગીરી સંભાળશે

નવી કાર્યપ્રણાલી મુજબ Talati Cum Mantri ને ગ્રામ પંચાયતના સચિવ તરીકેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. તેમને પંચાયત સચિવ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રીની મુખ્ય કામગીરીમાં ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી, પંચાયતની પરચૂરણ આવક અને વેરાની વસૂલાત, જન્મ-મરણ અને લગ્નની નોંધણી જેવી જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તલાટી કમ મંત્રી ગ્રામ્ય સ્તરે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના અમલીકરણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. BPL સંબંધિત કામગીરી તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આવક અને જાતિના પ્રમાણપત્રો સહિતની સેવાઓમાં તેમની જવાબદારી રહેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે અમલમાં આવતી વિવિધ સરકારી યોજનાઓનું સંકલન અને જરૂરી વહીવટી કામગીરી પણ પંચાયત સચિવ તરીકે તલાટી કમ મંત્રી સંભાળશે.

સ્વચ્છતા, પાણી અને પંચાયતની જમીન પર પણ ધ્યાન

ગ્રામ પંચાયત હસ્તકની જમીન પરના દબાણ દૂર કરાવવા માટેની કામગીરીમાં પણ તલાટી કમ મંત્રીની ભૂમિકા રહેશે. ગામમાં જાહેર સ્વચ્છતા જાળવવી અને પીવાના પાણીના પુરવઠા સંબંધિત વ્યવસ્થાની દેખરેખ જેવી ગ્રામ્ય સુવિધાઓ સાથે જોડાયેલી જવાબદારીઓ પણ તેમના જોબચાર્ટમાં સામેલ કરવામાં આવી છે. બીજી તરફ, મહેસૂલી તલાટીને મુખ્યત્વે જમીન અને મહેસૂલ વિભાગ સાથે સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે. જમીન મહેસૂલ સંહિતા હેઠળના રેકોર્ડ, વારસાઈ અને પેઢીનામાની કામગીરી સહિત જમીન સંબંધિત વિવિધ જવાબદારીઓ મહેસૂલી તલાટી સંભાળશે. આ ઉપરાંત અશાંત ધારા, જમીન સંપાદન, સર્વે તેમજ સેન્સસ સંબંધિત કામગીરી પણ મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં રહેશે.

PM-KISAN, SVAMITVA અને પાક ચકાસણીની જવાબદારી

મહેસૂલી તલાટીના જોબચાર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ અને ડિજિટલ કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. PM-SVAMITVA યોજના, PM-KISAN અને e-KYC સંબંધિત કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત પાક કાપણી અખતરા એટલે કે GCESની ઓનલાઈન કામગીરી, પાક વાવેતરની ચકાસણી અને કૃષિ રાહત પેકેજ માટે જરૂરી પ્રાથમિક કામગીરી પણ મહેસૂલી તલાટીની જવાબદારીમાં રહેશે.

કુદરતી આપત્તિ સમયે મહેસૂલી તલાટીની મહત્વપૂર્ણ ભૂમિકા

પૂર, ભારે વરસાદ, દુષ્કાળ અથવા અન્ય કુદરતી આપત્તિના સમયે નુકસાનનું મૂલ્યાંકન અને સરકારી સહાય માટે જરૂરી પ્રાથમિક કામગીરીમાં મહેસૂલી તલાટીની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. કૃષિ નુકસાન અને રાહત પેકેજ માટે પાકની ચકાસણી સહિતની કામગીરી પણ તેઓ સંભાળશે.

સરકારે કામગીરીનું વિભાજન કર્યું હોવા છતાં બંને કેડર સંપૂર્ણપણે અલગ રીતે કાર્ય કરશે તેવી સ્થિતિ નથી. જરૂરિયાત મુજબ તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે સહકાર અને સંકલનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે વિશેષ જરૂરિયાત ઊભી થાય ત્યારે વિકાસ કમિશનરના હુકમ મુજબ મહેસૂલી તલાટીએ VCE સહિતની કામગીરીમાં જરૂરી સહયોગ આપવાનો રહેશે.

ગ્રામ્ય નાગરિકોને ઝડપી સેવા મળવાની અપેક્ષા

સરકારનો દાવો છે કે નવી કાર્યપદ્ધતિથી બંને કેડરની જવાબદારીઓ સ્પષ્ટ બનશે અને કર્મચારીઓ પોતાની મુખ્ય કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પરિણામે જમીન-મહેસૂલ અને પંચાયત સંબંધિત કામો માટે નાગરિકોને વધુ વ્યવસ્થિત અને ઝડપી સેવાઓ મળવાની અપેક્ષા છે. નવી વ્યવસ્થાથી હવે સ્પષ્ટ થશે કે પંચાયત અને ગ્રામ વિકાસ સંબંધિત કામ માટે તલાટી કમ મંત્રી, જ્યારે જમીન, મહેસૂલ અને પાક સંબંધિત કામગીરી માટે મહેસૂલી તલાટી મુખ્ય જવાબદારી સંભાળશે.


આ પણ વાંચો: પંચાયત વિભાગમાં પ્રમોશનની જાહેરાત! 4 અધિકારીઓને વર્ગ-1માં હંગામી બઢતી

આ પણ વાંચો: ગુજરાતના BLO માટે મોટા સમાચાર: SIR કામગીરી માટે 4,000, સુપરવાઇઝરને 6,000નું ભથ્થું ચૂકવશે સરકાર

આ પણ વાંચો: માણસામાં વૃદ્ધ ચાવાળાને માર મારવાના આરોપમાં ASI સસ્પેન્ડ, CCTV સામે આવતા SPની કડક કાર્યવાહી