Mansa News: માણસામાં 15 ઓગસ્ટના દિવસે એક વયોવૃદ્ધ ચાની કિટલીવાળા શ્રમજીવી સાથે પોલીસકર્મી (ASI Dinesh Chaudhary)એ કથિત રીતે મારપીટ કરી ખાખીનો રોફ બતાવ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ માણસા પોલીસ સ્ટેશનના ASI દિનેશ ચૌધરી (ASI Dinesh Chaudhary)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. CCTV ફૂટેજની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસકર્મી સામેની કાર્યવાહીથી ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં પણ ચર્ચા અને ચકચાર જોવા મળી રહી છે.
તિરંગા યાત્રા દરમિયાન વૃદ્ધ ચાવાળાને માર માર્યાનો આરોપ
મળતી માહિતી મુજબ, 15 ઓગસ્ટના રોજ માણસા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માણસા પોલીસ સ્ટેશનની સામે ચાની કિટલી ચલાવતા એક વયોવૃદ્ધ શ્રમજીવી પાસે ASI દિનેશ ચૌધરી (ASI Dinesh Chaudhary) પહોંચ્યા હતા. આરોપ છે કે ASIએ કોઈ ગુનાહિત કારણ વિના વૃદ્ધ સાથે અભદ્ર વર્તન કર્યું અને જાહેરમાં માર માર્યો હતો. એટલું જ નહીં, તેમને ગોળી મારી દેવાની ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવાનો પણ આક્ષેપ છે.
લોકઅપમાં પૂરવાની પણ કથિત રીતે જીદ
વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ASIએ ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસર પાસે લોકઅપની ચાવી માગી હતી અને વૃદ્ધને લોકઅપમાં પૂરવાની કથિત રીતે જીદ કરી હતી. જોકે, વૃદ્ધ સામે કોઈ ગુનો કે કાયદેસર કારણ ન હોવાનું જણાતા ફરજ પરના PSOએ તેમને લોકઅપમાં પૂરવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.
મહિલા જજના ડ્રાઇવર પુત્રે SP સુધી પહોંચાડી રજૂઆત
આ ઘટનાથી આઘાતમાં આવેલા વૃદ્ધ શ્રમજીવીએ સમગ્ર વાત પોતાના પુત્રને જણાવી હતી. તેમનો પુત્ર એક મહિલા જજના પ્રાઇવેટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પુત્ર દ્વારા સમગ્ર મામલાની રજૂઆત ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સમક્ષ કરવામાં આવી હતી. SPએ ફરિયાદને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
CCTV ફૂટેજ તપાસતા ASI Dinesh Chaudharyની હરકતો કેદ
SPના આદેશ બાદ ઘટનાસ્થળ અને માણસા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વૃદ્ધ શ્રમજીવી સાથે ASI દિનેશ ચૌધરી (ASI Dinesh Chaudhary) દ્વારા કથિત મારપીટ અને ગેરવર્તણૂકના દૃશ્યો કેમેરામાં કેદ થયેલા હોવાનું સામે આવ્યું હતું. CCTVના આધારે મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ ASI દિનેશ ચૌધરી (ASI Dinesh Chaudhary) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.
પોલીસ બેડામાં કડક સંદેશ
આ કાર્યવાહીથી પોલીસ કર્મચારીઓ માટે પણ સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ અથવા કાયદો હાથમાં લેવાની કોઈપણ હરકતને ગંભીરતાથી લેવામાં આવશે. ખાખીનો રોફ બતાવી સામાન્ય નાગરિક સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપમાં ASI સામે થયેલી કાર્યવાહી હાલ ગાંધીનગર જિલ્લા પોલીસમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ; ASI સસ્પેન્ડ; 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, ASI સસ્પેન્ડ; આરોપીની શોધખોળ તેજ
આ પણ વાંચો:રાજકોટમાં નિર્લિપ્ત રાયની ધડબડાટી, ASI સસ્પેન્ડ કરાયા
