રવિવારે સાંજે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા હતા. હુમલાના થોડા સમય બાદ તાલિબાન અને અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો હતો કે અમેરિકાએ હવાઈ હુમલો કર્યો છે. તાલિબાને જણાવ્યું હતું કે અમેરિકી એરસ્ટ્રાઇકે એક આત્મઘાતી હુમલાવરને વાહનમાં નિશાન બનાવ્યો હતો જે અમેરિકી સૈન્યના સ્થળાંતરની વચ્ચે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવા માંગતો હતો.
ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, અમેરિકાના હવાઈ હુમલામાં એક આત્મઘાતી બોમ્બરને નિશાન બનાવવામાં આવ્યો હતો. અમેરિકાએ આ હવાઈ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે કાબુલ એરપોર્ટ પર તેનું બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 31 ઓગસ્ટના રોજ, યુએસનું આ ઓપરેશન સમાપ્ત થશે અને અત્યાર સુધીમાં તેણે અફઘાનિસ્તાનમાંથી એક લાખથી વધુ લોકોને બહાર કાઢયા છે.
આ પહેલા ગુરુવારે કાબુલ એરપોર્ટની બહાર શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેના પછી દુનિયા હચમચી ગઈ હતી. જેમાં અફઘાનિસ્તાનના 169 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે અમેરિકાને પણ મોટો આંચકો લાગ્યો હતો. આત્મઘાતી હુમલામાં 13 અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ હુમલા બાદ વહેલી તકે બદલો લેવાની હાકલ કરી હતી.
