Morbi News: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હીરાપર ગામમાં જર્જરિત પાણીની ટાંકી (Water Tank Collapse) તોડી પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આશરે 20 વર્ષ જૂની અને 50 હજાર લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી નિર્ધારિત દિશામાં પડવાને બદલે વિરુદ્ધ દિશામાં ધરાશાયી થઈ હતી. ટાંકી નજીકના મકાન અને દુકાન પર પડતાં મોટાપાયે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટાંકી તોડતી વખતે અચાનક દિશા બદલાઈ
મળતી માહિતી મુજબ, હીરાપર ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકી તોડવાની કામગીરી દરમિયાન તે જે દિશામાં પાડવાની હતી તેના બદલે વિરુદ્ધ દિશામાં પડી હતી.આ દરમિયાન ટાંકી રજની સવજીભાઈ સવસાણીના મકાન અને દુકાન પર ધસી પડી હતી. ટાંકીનો મોટો હિસ્સો મકાન પર પડતાં ઘરની દીવાલ, છત, છજ્જુ અને સોલાર વોટર હીટરને નુકસાન પહોંચ્યું હતું.

Water Tank Collapse:દુકાનનો સામાન કાટમાળ નીચે દટાયો
ટાંકી ધરાશાયી થતાં દુકાનમાં રાખવામાં આવેલા ત્રણ ફ્રીઝ, કરિયાણાનો સામાન અને ફર્નિચર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મોટો અવાજ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે કોઈ વ્યક્તિ કાટમાળ નીચે આવી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

આશરે 20 વર્ષ જૂની હતી પાણીની ટાંકી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકી આશરે બે દાયકાથી જૂની હતી અને સમય જતાં જર્જરિત બની ગઈ હતી. ગામમાં નવો પાણીનો સંપ તૈયાર થયા બાદ જૂની ટાંકીનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો અને તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેર કે.પી. બલદાણીયાના જણાવ્યા મુજબ, આશરે 20 વર્ષ પહેલાં બનાવવામાં આવેલી આ 50,000 લીટર ક્ષમતાની ટાંકી જર્જરિત થઈ જતાં તેને કન્ડમ જાહેર કરવામાં આવી હતી.

તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંકલનથી કામગીરી
ટાંકી તોડી પાડવાની કામગીરી તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવી હતી. ટંકારા તાલુકા પંચાયતના TDO ગૌતમ ભીમાણીના જણાવ્યા અનુસાર, હીરાપર ગ્રામ પંચાયત દ્વારા મોરબીના કોન્ટ્રાક્ટર દિવ્યરાજસિંહ જાડેજાને ટાંકી તોડી પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું.કામગીરી દરમિયાન ટાંકી નિયત દિશામાં ન પડતાં નજીકના મકાન અને દુકાનને નુકસાન થયું હતું.

નુકસાન અંગે પંચ રોજકામ શરૂ
ઘટનામાં મકાન અને દુકાનને થયેલા નુકસાન અંગે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગામના તલાટી મંત્રી દ્વારા પંચ રોજકામ કરવામાં આવ્યું છે અને નુકસાનની વિગતો નોંધવામાં આવી છે. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈને મકાન તરફ પડતી જોવા મળે છે.
આ પણ વાંચો:માત્ર 4 સેકન્ડમાં ધરાશાયી થઈ પાણીની ટાંકી, ડબકા ગામમાં જર્જરીત માળખું તંત્રએ જમીનદોસ્ત કર્યંં
