Gujarat News/ ગ્રાહકો સાવધાન! શોપિંગમાં છેતરાયા હોવ તો ગભરાશો નહીં, નોંધી લો ગુજરાત સરકારનો આ ખાસ હેલ્પલાઇન નંબર

15 માર્ચ World Consumer Rights Day દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મોટી સિદ્ધિ. 22,700થી વધુ ગ્રાહકોને માર્ગદર્શન અને 14,000થી વધુ કેસનો નિકાલ.

Gujarat Gandhinagar Top Stories
World Consumer Rights Day 2026

World Consumer Rights Day 2026: “ગ્રાહક એ બજારનો રાજા છે”, પરંતુ ઘણીવાર આ રાજા જ છેતરામણી જાહેરાતો કે ખામીયુક્ત પ્રોડક્ટ્સનો શિકાર બનતો હોય છે. ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં ગ્રાહકોની ફરિયાદોના નિવારણમાં અભૂતપૂર્વ ઝડપ જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાના કમિશનો દ્વારા કુલ 14,500થી વધુ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

ફરિયાદ માટેનો જાદુઈ નંબર: 14437

જો તમે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળી હોય, અથવા કોઈ દુકાનદાર કે કંપની તમને યોગ્ય ન્યાય ન આપતી હોય, તો તમારી સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારની ખાસ હેલ્પલાઇન કાર્યરત છે. ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્ય કક્ષાની હેલ્પલાઇન નંબર 14437 ઓક્ટોબર 2024 થી સતત સેવા આપી રહી છે, આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની હેલ્પલાઇન 1915 પર પણ સંપર્ક કરી શકાય છે. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન સુવિધા દ્વારા 22,700થી વધુ ગ્રાહકોને તેમની સમસ્યાઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને જરૂરી મદદ પૂરી પાડીને ન્યાય અપાવવામાં આવ્યો છે.

વર્ષ 2025ના ન્યાયના આંકડા

ગુજરાતમાં ગ્રાહકોને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા માટે ગ્રાહક કમિશનો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાજ્ય ગ્રાહક કમિશન દ્વારા 1670 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે જિલ્લા સ્તરે વિવિધ કમિશનોએ 12,920 જેટલા કેસોના ચુકાદા આપી ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરી છે. વિશેષ કરીને લોક અદાલતોમાં પણ મોટી સફળતા મળી છે, જેમાં 246 કેસોમાં પરસ્પર સમાધાન દ્વારા ગ્રાહકોને 4.34 કરોડથી વધુની માતબર રકમનું વળતર અપાવવામાં આવ્યું છે.

World Consumer Rights દિવસ 2026ની થીમ

આ વર્ષની થીમ “સુરક્ષિત ઉત્પાદનો, નિશ્ચિંત ગ્રાહકો” (Safe Products, Confident Consumers) રાખવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ઓનલાઇન કે ઓફલાઇન વેચાતી જોખમી પ્રોડક્ટ્સ સામે ગ્રાહકોને સુરક્ષા આપવાનો અને બજારમાં વેચાતી વસ્તુઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે.

શાળા-કોલેજોમાં ‘કન્ઝ્યુમર્સ ક્લબ’

યુવા પેઢીમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 2500 જેટલી કન્ઝ્યુમર્સ ક્લબ બનાવવામાં આવી છે. આ ક્લબ માટે સરકાર વાર્ષિક 1.25 કરોડનો ખર્ચ કરે છે, જેમાં દરેક ક્લબને 5000ની સહાય આપવામાં આવે છે. આ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.

જો તમે પણ કોઈ સર્વિસ કે પ્રોડક્ટથી અસંતુષ્ટ હોવ, તો ‘ઈ-જાગૃતિ’ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો. યાદ રાખો, જાગૃત ગ્રાહક જ સશક્ત સમાજની ઓળખ છે.


આ પણ વાંચો: બજેટમાં CNG અને બાયોગેસને વધુ સસ્તા બનાવવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત

આ પણ વાંચો: કાપડ ઉદ્યોગને મોટું પ્રોત્સાહન, રાષ્ટ્રીય ફાઇબર યોજના અને હેન્ડલૂમ મિશન

આ પણ વાંચો: ભારત બનશે સુપરફાસ્ટ! દિલ્હી-વારાણસી અને મુંબઈ-પુણે સહિત 7 રૂટ પર હાઈ-સ્પીડ રેલને મંજૂરી