Junjab News: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પિઝા ડિલિવરીનું કામ કરી રહેલા પંજાબના 28 વર્ષીય યુવક ગુરદીપ સિંહ (Gurdeep Singh) ની ગોળી મારી હત્યા કરવામાં આવતા તેના વતન બેગોવાલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અજાણ્યા શૂટરે ગુરદીપ સિંહને નિશાન બનાવ્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ન્યૂયોર્ક પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુરદીપ સિંહ લગભગ 13 વર્ષ પહેલાં લોન લઈને અમેરિકા ગયા હતા. પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને માતા-પિતાને સારું જીવન આપવા માટે તેઓ વિદેશ ગયા હતા. અમેરિકામાં શરૂઆતના વર્ષોમાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ પરિવાર માટે વધુ સારું ભવિષ્ય બનાવવાના હેતુથી સતત મહેનત કરતા રહ્યા.
ગુરદીપના પિતા પ્યારા લાલે જણાવ્યું હતું કે તેમના દીકરાએ અમેરિકા જવા માટે મોટી લોન લીધી હતી. વિદેશ પહોંચ્યા બાદ પણ તેને જીવનનિર્વાહ માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પરિવાર માટે કંઈક સારું કરવાની ઇચ્છાથી તે દિવસ-રાત મહેનત કરતો હતો.

લૂંટના પ્રયાસ દરમિયાન હત્યાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના લૂંટના પ્રયાસ દરમિયાન બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલાખોર કોણ હતો તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
ન્યૂયોર્ક સિટી પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અને ધરપકડ અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.
વતન ગામમાં શોકનો માહોલ
ગુરદીપ સિંહના મોતના સમાચાર તેમના વતન પહોંચતા જ પરિવાર અને ગામલોકોમાં શોક છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો ઊંડા આઘાતમાં છે. ગામમાં પણ લોકો તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે.
ગુરદીપના પરિવારમાં તેમના પિતા અને એક ભાઈ છે. પરિવારજનોએ સરકારને ગુરદીપનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે મદદ કરવાની અપીલ કરી છે.
સાથે જ પરિવારજનોએ અમેરિકી અધિકારીઓ પાસે હત્યાના આરોપીને ઝડપથી શોધી કાઢી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવાર માટે વિદેશ ગયેલા યુવાનનું આ રીતે અકાળે મોત અત્યંત આઘાતજનક બન્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી
આ પણ વાંચો: દિલ્હી: 17 વર્ષની પિતરાઈ બહેનની હત્યા કરી મૃતદેહ સુટકેસમાં ભરી ફેંક્યો, આરોપીની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદમાં યુવકની હત્યા કરનારા 8 આરોપી ઝડપાયા, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો
