Railway Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં રેલવે અને જળમાર્ગોના કાયાકલ્પ માટે ઐતિહાસિક જાહેરાતો કરી છે. દેશમાં ઝડપી મુસાફરી અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટથી દેશના આર્થિક અને ટેકનોલોજીકલ હબ વચ્ચેનું અંતર ઘટશે.

કયા 7 રૂટ પર બનશે હાઈ-સ્પીડ રેલ કોરિડોર?
સરકારે દેશના મુખ્ય શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારવા અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નાઈ, ચેન્નાઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલીગુડી સુધીના ખાસ કોરિડોર વિકસાવવા માટેના રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ નવા કોરિડોર બનવાથી પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને આર્થિક ગતિવિધિઓને નવી ઊંચાઈ મળશે.

જળમાર્ગોનો વિકાસ: 20 નવા વોટર-વે શરૂ થશે
રેલવેની સાથોસાથ જળમાર્ગોના વિકાસ પર પણ વિશેષ ભાર મૂકતા સરકાર આગામી 5 વર્ષમાં દેશમાં 20 નવા જળમાર્ગો શરૂ કરશે, જેની શરૂઆત ઓડિશાના નેશનલ વોટર-વે 5 થી કરવામાં આવશે. આ ઉપરાંત, જહાજોના આધુનિક સમારકામ માટે વારાણસી અને પટનામાં સ્પેશિયલ શિપ રિપેરિંગ સેન્ટર ઊભા કરવામાં આવશે, તેમજ દેશમાં સી-પ્લેન (દરિયાઈ વિમાન) સેવાને પ્રોત્સાહન આપવા માટે ‘વીજીએફ યોજના’ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

Railway Budget 2026: નવો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC)
માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે પૂર્વમાં ડંકુનીને પશ્ચિમમાં સુરત સાથે જોડતો નવો ફ્રેટ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આનાથી ઉદ્યોગોને માલ પરિવહનમાં મોટી રાહત મળશે.

પર્યટન માટે ‘ઈકો-ફ્રેન્ડલી’ પર્વતીય માર્ગો
પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિક પ્રવાસીઓ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરતા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમ અને પૂર્વી ઘાટમાં ટ્રેકિંગ તથા હાઇકિંગ માટે વિશ્વસ્તરીય પર્વતીય માર્ગો વિકસાવવામાં આવશે. આ સાથે જ, વન્યજીવ પ્રેમીઓ માટે ઓડિશા, કર્ણાટક અને કેરળમાં વાઇલ્ડલાઇફ ટુરિઝમના ખાસ રૂટ તૈયાર કરવામાં આવશે, જેથી પ્રવાસન ક્ષેત્રને નવો વેગ મળે.
આ પણ વાંચો: બજેટ 2026: દારૂ અંગે મોટી જાહેરાત, શું કિંમત ઘટી કે વધી?
આ પણ વાંચો: કાપડ ઉદ્યોગને મોટું પ્રોત્સાહન, રાષ્ટ્રીય ફાઇબર યોજના અને હેન્ડલૂમ મિશન
આ પણ વાંચો: બજેટમાં ફક્ત એક જ જાહેરાત… શેરબજાર ધડામ, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઘટ્યો
