Ahmedabad News : અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી એક સેલ્સગર્લે પ્રેમ સંબંધમાં આવીને કરોડોની ચોરી (Theft)કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હર્ષિદા શેટ્ટી નામની યુવતીએ શોરૂમમાંથી અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરી (Theft)કર્યા બાદ પોતાના બોયફ્રેન્ડ સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને માણેકચોક વિસ્તારમાંથી ઝડપી પાડી હતી.
પોલીસ તપાસ મુજબ, હર્ષિદા શેટ્ટી નિકોલ ખાતે આવેલા જ્વેલર્સ શોરૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી. શોરૂમ માલિકનો તેના પર ભારે વિશ્વાસ હતો અને મહત્વના કામ માટે તેને બહાર પણ મોકલવામાં આવતી હતી. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી હર્ષિદાનો એક પરિણીત યુવક સાથે સંપર્ક થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
બોયફ્રેન્ડ સાથે સેટલ થવા માટે કરી ચોરી(Theft)

તપાસમાં સામે આવ્યું છે કે બોયફ્રેન્ડે સાથે રહીને નવું જીવન શરૂ કરવાની વાતો કરતા હર્ષિદા તેની વાતોમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેણે શોરૂમમાંથી સોનાની ચેન, મંગળસૂત્ર, ઘડિયાળ, વીંટીઓ, બુટ્ટી અને અન્ય દાગીના મળી કુલ 1.66 કરોડ રૂપિયાનું માલ ચોરી લીધો હતો.
11 મે 2026ના રોજ સાંજે શોરૂમમાં એક દાગીનાની લકી ઓછી જણાતા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન હર્ષિદા ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું. CCTV તપાસતા તે તિજોરી અને કબાટમાંથી દાગીના ખિસ્સામાં સરકાવતી સ્પષ્ટ દેખાઈ હતી.
ગાંધીનગરથી રાજસ્થાન અને દિલ્હી સુધી ફરાર
ચોરી બાદ હર્ષિદા પોતાના બોયફ્રેન્ડ સાથે પહેલા ગાંધીનગર અને ત્યારબાદ રાજસ્થાન તથા દિલ્હી ભાગી ગઈ હતી. બંને અલગ અલગ હોટલોમાં રોકાયા હતા. પૈસાની જરૂર પડતાં તેઓ થોડા થોડા દાગીના વેચતા ગયા હતા.
પરંતુ આ પ્રેમકથામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે હર્ષિદા નાહવા ગઈ હતી અને તેનો બોયફ્રેન્ડ મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ હર્ષિદા પોતાની પાસે બચેલા કેટલાક દાગીના વેચવા માટે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવી હતી.
માણેકચોકમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતાં જ ટીમે માણેકચોક વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને હર્ષિદાને દાગીના વેચવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લીધી હતી. બાદમાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે હજુ મુદ્દામાલની રિકવરી બાકી છે તેમજ સહઆરોપી બોયફ્રેન્ડ ફરાર છે. આરોપીઓએ રાજસ્થાન અને દિલ્હીમાં કોને દાગીના વેચ્યા તેની પણ તપાસ કરવાની છે. કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
પ્રેમમાં વિશ્વાસઘાતનો અંત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે હર્ષિદા અગાઉ લગ્નજીવનમાંથી છૂટાછેડા લઈ ચૂકી હતી અને એકલી રહેતી હતી. ભાવનાત્મક રીતે નબળી સ્થિતિમાં તેણે બોયફ્રેન્ડ પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે, જેને માટે તેણે કરોડોની ચોરી કરી, એ જ યુવકે અંતે તેને દગો આપ્યો હતો.
