Rajkot News : રાજકોટ (Rajkot) શહેરમાં અંધશ્રદ્ધા અને ભયનો ફાયદો ઉઠાવી મહિલાના શોષણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સબમર્શીબલ પંપનું કારખાનું ધરાવતા એક કારખાનેદારની પત્નીએ મેલડી માતાનો ભૂવો હોવાનો દાવો કરતા એક શખ્સ સામે વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ “માતાજીએ કહ્યું છે કે હું જ તારો પતિ છું” કહી માનસિક રીતે દબાણમાં રાખી મહિલાનું શારીરિક શોષણ (Woman Exploitation)કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ (Rajkot)માં મહિલાના શોષણનો ચોંકાવનારો બનાવ
ફરિયાદ અનુસાર, આરોપી તુષાર રણછોડ સિંધવ કારખાનેદારના સંપર્કમાં આવ્યો હતો અને પોતે મેલડી માતાનો ભૂવો હોવાનું કહી કારખાનામાં પાઠ-વિધિ કરતો હતો. બાદમાં તેણે પરિવારને ઘરમાં “મેલું” હોવાનું કહી ખાસ વિધિ કરવાની વાત કરી હતી. રાત્રિના સમયે વિધિ માટે ઘેર પહોંચેલા આરોપીએ મહિલાના પતિ અને બાળકને અલગ રૂમમાં મોકલી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ વિરોધ કરતાં આરોપીએ તેના છ વર્ષના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીના કારણે પરિવાર ભયમાં જીવી રહ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપી વારંવાર ઘેર આવી મહિલાનું શોષણ કરતો રહ્યો અને પરિવારને ધમકાવતો રહ્યો.
આ ઘટનાથી કંટાળીને પરિવારે પોતાની આબરુ બચાવવા માટે અનેક વખત મકાન બદલ્યાં હતાં. છતાં આરોપી નવા સરનામાં સુધી પહોંચી જતો હતો અને ફરી મહિલાને હેરાન કરતો હતો. અંતે કંટાળેલી મહિલાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાએ શહેરમાં અંધશ્રદ્ધા અને ભુવાના નામે થતા શોષણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
