Aravalli SOG Crime News: અરવલ્લી જિલ્લામાં ધર્મના નામે લોકોને ડરાવી અને અંધશ્રદ્ધાની જાળ બિછાવી લાખો રૂપિયા પડાવતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. ધનસુરાના કોલવડા ગામમાં સાધુ-બ્રાહ્મણનો વેશ ધારણ કરી છેતરપિંડી આચરનાર બે શખ્સોને અરવલ્લી એસઓજી (SOG) પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
દુઃખ નિવારણની લાલચ આપી ઘરેણાં અને રોકડ પડાવ્યા
ઘટનાની વિગત મુજબ, ધનસુરા તાલુકાના કોલવડા ગામના એક પરિવારને આ ઠગ ટોળકીએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ સાધુ અને બ્રાહ્મણ હોવાનો ડોળ કરી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી ‘ઘરના દુઃખ અને ક્લેશ દૂર કરી આપીશું’ તેવી લાલચ આપી હતી. વિધિના બહાને આ ઠગોએ ફરિયાદી પાસેથી જુદા જુદા સમયે મોટી માત્રામાં રોકડ રકમ અને સોના-ચાંદીના કિંમતી ઘરેણાં પડાવી લીધા હતા.
SOG એ રહીયોલ રેલવે ફાટક પાસે વોચ ગોઠવી દબોચ્યા
છેતરપિંડીની જાણ થતાં ધનસુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કેસની ગંભીરતાને જોતા અરવલ્લી એસઓજી ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ક્રેટા ગાડીમાં ધનસુરાથી મોડાસા તરફ જઈ રહ્યા છે. પોલીસે રહીયોલ રેલવે ફાટક પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી ગાડીને અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી છેતરપિંડી કરી મેળવેલો મુદ્દામાલ મળી આવ્યો હતો.

મુદ્દામાલમાં શું શું ઝડપાયું?
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹9,90,340 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹1,00,640 ની રોકડ રકમ તેમજ સોનાનો ચેઈન, વીંટી, કાનની બુટ્ટી, સોનાની ચૂની અને કડી તથા ચાંદીની લક્કી જેવા દાગીનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે 5 મોબાઈલ ફોન, ઠગાઈ માટે વપરાતી ક્રેટા ગાડી અને વિધિના નામે છેતરપિંડી કરવા માટે વપરાતા ઘી તેમજ ચાના પાઉચ જેવા સાધનો પણ કબજે કર્યા છે.
બનાસકાંઠાના બે આરોપીઓની ધરપકડ
પકડાયેલા આરોપીઓના નામ શિકાનાથ ધનાનાથ (નાથ) અને રામનાથ સમજુનાથ (નાથ) છે. આ બંને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધણીયાવડા ગામના રહેવાસી છે. એસઓજીએ બંને ઠગ સાધુઓની અટકાયત કરી વધુ તપાસ અર્થે ધનસુરા પોલીસને સોંપ્યા છે.
આ પણ વાંચો: અરવલ્લી :શામળાજી અને માલપુરમાં આગના બનાવો
આ પણ વાંચો: બસ અને ટ્રેલરની ટક્કરમાં અરવલ્લીનું રમાણા રૂપણ ગામ હિબકે ચડ્યું
આ પણ વાંચો: અરવલ્લી ફક્ત પર્વતમાળા નહીં ભારતની પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ
